કાર-એક્ટિવાની ટક્કર બાદ બંને વાહનોમાં આગ, એક્ટીવા ચાલકનું મોત

સાબરકાંઠાના મજરા ચોકડી નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ એક્ટિવા અને કારમાં આગ લાગતા બંને વાહનો બળીને ખાખ થયા હતા. કાર ચાલકના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ, મૃતક એક્ટિવા ચાલક મૂળ સદાના મુવાડા ગામનો રહેવાસી છે. આજે સવારે એક્ટિવા પર ખેતીકામ માટે નજીકના પેટ્રોલપમ્પ પરથી કેરબામાં ડીઝલ લઈ મજરા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરઝડપે સામેથી આવતી કારે ટક્કર મારી હતી. એક્ટિવા ચાલક રોડ પર પટકાતા અને એક્ટિવામાં આગ ફાટી નીકળતા આગમાં લપેટાતા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતા જેને પગલે ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ કાર રોડસાઈડ ખેતરમાં ઉતરી ગઈ હતી અને તેમાં પણ આગ લાગતા કારચાલક કારમાંથી જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. કાર ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમર્જન્સી ઍમ્બ્યૂલન્સ મારફતે તલોદ સારવાર અર્થે ખસેડાયો હતો.

અકસ્માતના પગલે તલોદ-મજરા રોડ પર ટ્રાફિક જામ થતાં પ્રાંતિજ ટ્રાફિક પોલિસ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. તો પ્રાંતિજ પોલીસે મૃતક એક્ટિવા ચાલકના મૃતદેહને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથધરી હતી.

 123 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી