September 26, 2020
September 26, 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

PM મોદીએ મૃતકોને રૂપિયા  બે લાખની અને ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી

અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, પૂર્વ મેયર અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ મૃતકોને રૂપિયા  બે લાખની અને ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘટનાને લઈ તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથાા અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે પણ વાતચીત કરી હતી.

હોસ્પિટલના તંત્ર દ્વારા અનેક માહિતીઓ છુપાવવામાં આવી રહે છે તેવો દર્દીઓના સ્વજનો દ્વારા આક્રોશ કરાયો છે. મોટી સંખ્યામાં દર્દીઓના સ્વજનો હોસ્પિટલની બહાર એકઠા થયા છે. પરંતુ તેઓને સવારથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી રહી. તેથી સ્વજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેઓનું કહેવું છે કે, અમને હોસ્પિટલમાંથી રૂપિયા માટે ફોન આવ્યો છે. આગ અંગે અને દર્દીઓની પરિસ્થિતિ અંગે કોઈ જાણ કરાઈ નથી. સ્વજનોમાં રોષ જોવા મળ્યો. તેઓને કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નથી રહી. કેટલાક સ્વજનોએ એમ પણ કહ્યું કે, હોસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે. આગ નહિ, પણ ઓક્સિજનની અછતથી મોત થયું હોય તેવું લાગે છે. હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોએ ભારે આક્રંદ કર્યો હતો. તેઓ પોતાના સ્વજન સ્વસ્થ છે કે નહિ તે જાણવા માંગતા હતા. હોસ્પિટલના સત્તાધીશો તેમની સાથે વાત કરવા માંગતા નથી. 

તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની નોંધ લઈને અમદાવાદ મનપા પાસેથી ઘટનાની માહિતી મંગાવી છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ઘટના અંગે જાણ કરાઈ છે. તો આરોગ્ય સચિવ જયંતી રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સીએમ સાથે વાત થઈ છે. ઈન્વેસ્ટીગેશન યોગ્ય રીતે કરાશે. જે લોકો હાલ ખસેડાયા છે, તેઓને યોગ્ય રીતે સારવાર મળે તે અમારી પ્રાથમિકતા છે. વધુ મોત ન થાય તે માટે કામ શરૂ કર્યું છે. પહેલા તપાસ કરાશે અને ત્યાર બાદ કાર્યવાહી કરાશે.

આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. આમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

મૃતકોના નામ

– આયશાબેન તિરમીજી, પાલડી

– જ્યોતિબેન સિંધી, ખેરાલુ

– અરવિંદભાઈ ભાવસાર, મેમનગર

– નવીનલાલ શાહ, ધોળકા

– આરીફ મન્સુરૂ, વેજલપુર

– લીલાવતીબેન શાહ, વાસણા

– નરેન્દ્રભાઈ શાહ, ધોળકા

– મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર

 161 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર