પહેલા PM મોદી અને હવે અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાતે…CM યોગી..

સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવ્યો

રાજકારણમાં અવારનવાર પક્ષ પલટો કે રાજકીય મુલાકાતો જોવા મળતી હોય છે .છેલ્લા ઘણા સમયથી આવા પક્ષ પલટાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે .રાજકીય મુલાકાતો અને મિટિંગો તો ખુબ થતી હોય છે .

હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત નિવાસ સ્થાને પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ સીએમ યોગી આદિત્યનાથ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે ,યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગીના બે દિવસના દિલ્હી પ્રવાસથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

સૂત્રો મુજબ ,યોગી આદિત્યનાથનું દિલ્હી પહોંચવું અને અમિત શાહ ઉપરાંત પીએમ મોદી અને જેપી નડ્ડાને મળવું…તેનાથી અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. જ્યાં એક બાજુ કહેવાય છે કે, યુપી કેબિનેટમાં વિસ્તારને લઈને આ મુલાકાત થઈ રહી છે, ત્યાં બીજી બાજુ એવી પણ વાત સામે આવી રહી છે કે ભાજપે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે મહામંથન શરૂ કરી દીધુ છે. જો કે પાર્ટી તરફથી અધિકૃત રીતે કશું જણાવવામાં આવ્યું નથી.

મળતી માહિતી મુજબ ,આદિત્યનાથ અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત બાદ એકવાર ફરીથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તારની અટકળો તેજ થઈ ગઈ છે. આ અટકળોને ત્યારે વધારે બળ મળ્યું જ્યારે સૂત્રોએ એવો દાવો કર્યો કે ,નડ્ડાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને એક દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ, મુખ્યમંત્રી આદિત્યનાથને મળ્યા. નડ્ડા અને પ્રધાનમંત્રી વચ્ચેની મુલાકાતની કોઈ અધિકૃત જાણકારી અપાઈ નથી, પરંતુ પ્રસાદે મુખ્યમંત્રી સાથે થયેલી મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે ,અમિત શાહ સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે નવી દિલ્હીમાં શિષ્ટાચાર ભેટ કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું. ભેટ હેતુ તમારો કિમતી સમય આપવા બદલ ગૃહમંત્રીનો હાર્દિક આભાર. આ ટ્વીટ સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેઓ અમિત શાહને ‘પ્રવાસી સંકટનું સમાધાન’ રિપોર્ટની એક કોપી સોંપતા જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ દોઢ કલાક ચાલેલી આ મુલાકાત દરમિયાન આદિત્યનાથે રાજ્યમાં કોવિડ-19ની બીજી લહેર સહિત અન્ય રાજનીતિક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી.

 69 ,  1