September 23, 2021
September 23, 2021

મોદીએ શપથ બાદ કહ્યુ- વિપક્ષ નંબરની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવે

17મી લોકસભાના પહેલા સત્રનો આજથી પ્રારંભ થયો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદના કર્તવ્યોના પાલન કરવાના શપથ લીધા. તેમને પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે શપથ લેવડાવ્યા. ત્યારબાદ એક પછી એક કરી તમામ સાંસદે શપથ લીધા. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધિત કર્યું.

મીડિયાને સંબોધન કરતા પીએમએ કહ્યું કે, પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષની જેમ કામ કરો. વધુમાં કહ્યું કે, અમને આશા છે કે આ વખતે ગૃહમાં વધુ કામ થશે. તર્કની સાથે સરકારની ટીકા કરવી લોકતંત્રને બળ આપે છે, તેનાથી ગૃહમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.

પીએમે કહ્યું કે, જ્યારે ગૃહ ચાલ્યું છે, તો દેશહિતના સારા નિર્ણય લેવાયા છે. આશા રાખું છું કે તમામ દળો સાથે આવશે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય થવું જરૂરી છે. ચૂંટણી બાદ નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. અનેક નવા સાથીઓના પરિચયનો અવસર છે, નવા સાથીઓની સાથોસાથ નવા ઉમંગ, ઉત્સાહ અને સપના પણ જોડાયેલા છે.

આ ચૂંટણીમાં પહેલાની તુલનામાં મહિલાઓનું મતદાન મહત્વનું રહ્યું છે. ઘણા દશકો બાદ એક સરકારને ફરી પૂર્ણ બહુમતી સાથે અને પહેલાથી જ વધારે બેઠકો સાથે જનતાએ સેવા કરવાની તક આપી છે. આશા રાખું છું કે, તમામ દળ ઉત્તમ પ્રકારની ચર્ચા, જનહિતના નિર્ણય માટે આગળ વધશે તેવો વિશ્વાસ છે.

 16 ,  1