બિનવારસી સ્કોર્પિયો-વિસ્ફોટક સામગ્રી-આતંકી ધમકી..અંબાણીને કંઇક થઇ ગયું તો..?!

રિલાયન્સના લાખો શેરધારકોમાં ફફડાટ- અંબાણીને કંઇક થશે તો નહીં ને..?

શેરબજારમાં રિલાયન્સ 12 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવે છે

આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે જવાબદારી લીધી-ના લીધી…

પત્રમાં લખ્યું હતું, ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી, આ ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી છે. તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.’

પુત્રની ગાડી પર હુમલો કરવાની ધમકી-એનઆઈએ-મુંબઇ પોલીસ કરી રહી છે તપાસ…

જો આ રીતે જ થશે તો માયાનગરીમાં મુકેશભાઇ કેટલા સલામત..?

( નેટ ડાકિયા-ખાસ અહેવાલ )

માયાનગરી મુંબઇમાં છેલ્લા કેટલાક સમયથી કંગના, અર્નબ ગોસ્વામી-ટીઆરપી, વોટ્સએપ ચેટ, અમિતાભ,સચિનના ટ્વીટની સાથે હવે એશિયાના ધનિક મુકેશ અંબાણીના નામની પણ ચર્ચા છે. અલબત્ત, તેમની કોઇ ટ્વીટ કે અન્ય મામલે તેઓ ચર્ચામાં નથી. તેઓ આવી ભૂલ કરે જ નહીં. તેઓ ભલા અને તેમનો ધંધો ભલો. મુંબઇથી જામનગર રિફાઇનરી અને જામનગરથી મુંબઇ. જેને ભગવાનના ભલા માણસ કહી શકાય એવા મુકેશભાઇને પડોશી સાથે પણ વેર નથી. છતાં તેમને ઉડાવી દેવાની ધમકી મળે તો..?

દેશના જાણીતા અને મૂળ ગુજરાતના અને ગુજરાતી એવા ઉદ્યોગપતિ મુકેશ ધીરૂભાઇ અંબાણી અને તેમના પરિવારને મુંબઇમાં તેમના મકાનની બહાર વિસ્ફોટક સામગ્રી મૂકીને ઉડાવી દેવાના કથિત કાવતરાંમાં જમ્મુ-કાશ્મિરના કોઇ નવા આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે જવાબદારી લીધી હોવાનું મિડિયામાં જાહેર થયું અને તરત જ આ આતંકી સંગઠને કાશ્મિરમાં પોસ્ટર લગાડીને ખુલાસો કર્યો કે ના, એ અમારૂ કામ નથી….! કદાજ એવુ પહેલીવાર થયું હશે કે કોઇ આતંકી સંગઠને ના પાડી હોય કે ના..ના અમે એમાં નથી (કોઇ બીજાનું કામ લાગે છે પણ અમે તો નથી જ..)..! આ આતંકી સંગઠન વતી કોણે મિડિયામાં માહિતી આપી એ તો માહિતી આપનાર અને માહિતી લેનાર કહી શકે. પણ અહીં એ બાબતની નોંધ લેવી જોઇએ કે આ એ જ આતંકી સંગઠન છે કે જેણે દિલ્હીમાં તાજેતરમાં ઇઝરાયલની એમ્બેસી નજીક આઇડી બોંબ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિઓ સહિતની પેટા કંપનીઓના માલિક છે. લોકડાઉનમાં તેઓ આત્મનિર્ભર થયાં. જિઓના સ્ટોકનું ધૂમ વેચાણ થયું. શેરબજારમાં રિલાયન્સના શેરોની બોલબાલા છે. દેશમાં લાખો લોકો અને નાની કંપનીઓ કે પેઢીઓ રિલાયન્સના શેરોમાં રમીને બે પાંદડે થયા છે. એલઆઇસી પણ રિલાયન્સમાં રોકાણ ધરાવે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા એનએસજી કમાન્ડો કરે છે અને તે બદલ સરકારને 16 લાખ ચૂકવે છે. મુંબઇ પોલીસ અને અન્ય સારી સિક્યુરીટી એજન્સી પણ તેમની સુરક્ષાનું કામ કરે છે. આટઆટલી સુરક્ષા છતાં તેમના ઘરની બહાર એક સ્કોર્પિયો કારમાં મળી આવેલી વિસ્ફોસ્ટક સામગ્રી અને કાશ્મિરના આતંકી સંગઠનના કારસ્તાનના પગલે રિલાયન્સના લાખો શેરધારકોમાં એવો ફફડાટ પેસી ગયો હશે કે મુંકેશ અંબાણીને કંઇ થઇ ગયું તો રિલાયન્સ કંપનીનું શુ થશે…? અને જેઓ તેના શેરો પર નભે છે એવા લાખો શેરધારકોનું શું થશે એવી ચર્ચા બજારમાં ના થાય તો જ નવાઇ કહી શકાય.

શેરબજારમાં રમતા રમતા ગૌતમ અદાણીની કંપનીઓની માર્કેટ કેપ 6 લાખ કરોડ પર પહોંચી છે. માર્કેટ કેપમાં અદાણી ચોથા ક્રમે પહોંચ્યું છે તો શેરબજારમાં રિલાયન્સ કંપની 12 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. એટલે જેઓ તેમની સાથે જોડાયેલા છે તેમની બજાર મૂડ઼ીની કિંમત 12 લાખ કરોડ છે એમ કહી શકાય. તેવા ઉજળા અને ફુલગુલાબી ચિત્રમાં જો કંપનીના વડાને આ રીતે ઉડાવી દેવા માટે આતંકી સંગઠન મેદાને પડ્યું હોય ત્યારે અંબાણી પરિવારમાં પણ ડર પેસી જાય તે સ્વાભાવિક છે. તેની સાથે સાથે રિલાયન્સના શેરોમાં ધબડકો થાય તો..? એવા સવાલો એટલા માટે પણ થઇ રહ્યાંછે કેમ કે પહેલીવાર અંબાણી અને તેમના પરિવારને ઉડાવી દેવાની ધમકી મળી છે. ફિલ્મી સ્ટાઇલમાં કહીએ તો પરિન્દા ભી પર નહીં માર સકતા…સુરક્ષાની વચ્ચે સ્કોર્પિયો કાર તેમના ઘરની બહાર જોહેર રોડ પર આવે છે અને પડી રહે છે. તપાસ કરતાં વિસ્ફોટક સામગ્રી જીલેટીન સ્ટીકનો જથ્થો મળી આવે છે અને બજારમાં ગભરાટ ફેલાય છે.. તેમની ઘરની બહાર મળી આવેલી બિનવારસી સ્કોર્પિયો કાર અને વિસ્ફોટક સામગ્રી તથા આતંકી સંગઠનની એન્ટ્રીથી શેરધારકોમાં ફફડાટ થઇ રહ્યો હશે. નોંધનીય છે કે કિસાન આંદોલનમાં અદાણીની સાથે રિલાયન્સ-મુકેશ અંબાણીનું નામ પણ ઉછળ્યું છે. જિઓના કેટલાય ટાવરોને પંજાબમાં નુકશાન પહોંચાડવામાં આવ્યું અને પંજાબના રાજ્યપાલે પણ તેની ચિંતા કરીને પંજાબ સરકારનો ખુલાસો માંગ્યો હતો.

ગૂગલબાબા અનુસાર મુકેશભાઇ રિલાયન્સમાં 50.38 ટકા શેરો ધરાવે છે. બાકીના શેરો જાહેર સામાન્ય લોકો અને વિવિધ પેઢીઓ પાસે છે,.એલઆઇસી 7.98 ટકા શેર હોલ્ડિંગ ધરાવે છે. ગુજરાત અને રિલાયન્સના શેરધારકો ઇચ્છએ છે કે આપણાં મુકેશભાઇને કાંઇ ના થાય પણ તેમના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી સહિતની જે ઘટના બની છે તે જોતાં તેમણે સુરક્ષાના વધારે કડક પગલા લેવા જોઇએ અને લીધા જ હશે. મુકેશભાઇ, જુગ જુગ જીવો…જિઓ કે સંગ…!!

સમાચારોમાં શું આવ્યું….

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ મળવાના કેસમાં રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની જવાબદારી લેતા જૈશ-ઉલ-હિંદે કહ્યું કે, ‘બિગ પિક્ચર આના અભી બાકી હે’. આ કેસમાં એનઆઈએ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

એક ટેલિગ્રામ મેસેજમાં જૈશ-ઉલ-ઉલ હિંદે દાવો કર્યો હતો કે એસયુવીમાં વિસ્ફોટકો મુકનારા આતંકીઓ સલામતી સાથે ઘરે પહોંચી ગયા છે. મેસેજમાં આગળ લખ્યું છે કે આ માત્ર એક ટ્રેલર હતું અને આખી પિક્ચર આવવાની બાકી છે. આ મેસેજમાં મુકેશ અંબાણી પાસેથી પૈસાની પણ માંગ કરવામાં આવી છે. એવું લખ્યું છે કે જો અંબાણી તેની માંગણીઓ નહીં સ્વીકારે તો હવે તે તેમના પુત્રની ગાડી પર હુમલો કરશે.

‘TERROR AT AMBANI HOUSE’ ટાઈટલવાળા મેસેજમાં આતંકીઓએ લખ્યું છે કે તમે (અંબાણી) જાણો છે કે શું કરવાનું છે. તમને જે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે તે ટ્રાન્સફર કરો અને તમારા ‘ફેટ કિડ્સ સાથે ખુશીથી રહો. જણાવી દઈએ કે, જૈશ-ઉલ-હિંદ સંગઠને દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ પર હુમલો કરવાની જવાબદારી પણ લીધી હતી.

આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એનઆઈએ સાથે મળીને તપાસ કરી રહ્યા છે. પોલીસે આ કેસમાં પહેલાથી જ આતંકી એંગલની આગાહી કરી હતી. જોકે, કોઈ આતંકી સંગઠન જવાબદારી ન લેતા પોલીસ સ્પષ્ટપણે તેની પુષ્ટિ કરી રહી નહોતી. વિસ્તારના લાગેલા સીસીટીવી ફૂટેજમાં કાર પાર્ક કરતો એક શંકાસ્પદ શખ્સ પણ દેખાયો હતો અને તેના ચહેરા પર માસ્ક હતું. પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે અને આ કેસમાં તેના કનેક્શનની તપાસ કરવામાં લાગી ગઈ છે.

પોલીસને બાતમી મળી હતી કે કારમાં મુકવામાં આવેલા વિસ્ફોટક કાનપુરમાં બનાવવામાં આવ્યા છે. પોલીસે વિસ્ફોટકો બનાવતી કંપની પાસેથી વિસ્તૃત માહિતી લીધી છે. કારમાંથી જે ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો તે ગુજરાતી ભાષામાં હતો. જો કે, આતંકવાદી સંગઠને જવાબદારી લેતા જે મેસેજ જારી કર્યો છે તે અંગ્રેજીમાં છે.

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીનથી ભરેલી એક કાર મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કારમાંથી અઢી કિલોની 20 સ્ટીક જપ્ત કરવામાં આવી છે, જે લગભગ 3,000 ચોરસફૂટના પરિસરને હચમચાવી દેવા માટે પૂરતી છે. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો. આખું શહેર છાવણીમાં ફેરવાઈ ગયું. મુંબઈ પોલીસ વિવિધ સ્થળોએ નાકાબંધી કરીને ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. અંબાણીના ઘરથી થોડે દૂર જિલેટીનથી ભરેલી સ્કોર્પિયોમાંથી એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. આ પત્રમાં લખ્યું હતું, ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી, આ ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી છે. અમારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.’

-દિનેશ રાજપૂત

 56 ,  1