વડોદરામાં ફરી પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા શહેરમાં ફરીથી ફરીથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.50 ફૂટ ઉપર પહોંચી છે. અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી 212.65 ફૂટ થઇ છે. જોકે આજવા ડેમની સપાટી ધીરે ધીરે ઘટી રહી છે.

વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે પરશુરામ ભઠ્ઠા, પેન્શનપુરા, જલારામનગર, નવીનગરી સહિતના કાંઠા વિસ્તારના 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. જેથી એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે.

વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મૂકાયું છે અને એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ, વીજ કંપનીને એલર્ટ કરી દેવાયા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપભેર વધી રહેલી સપાટીને પગલે તંત્ર દ્વારા આજે વહેલી સવારે 4:30 વાગ્યે સિદ્ધાર્થ બંગ્લોઝ, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં સાઇરન વગાડી એલર્ટ કરાયા હતા.

વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે વડોદરા શહેરના અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયું છે. જેથી ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધી રહી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી