નવસારીમાં મેઘ કહેર: 29 લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા

દક્ષિણ ગુજરાતમાં હાલ હવામાન ખાતાની આગાહી મુજબ સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના રેસક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે.

એનડીઆરએફની ટીમ ન પહોંચી શકતા ભારતીય વાયુ સેનાના બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને 30 જેટલા લોકોને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગણદેવી બાદ બીલીમોરા ખાતે આવેલા ઝીંગા તળાવ નજીક 32 લોકો ફસાયા હોવાની જાણ થઈ હતી. જેથી હેલિકોપ્ટર દ્વારા 32 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ભાઠા ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું હતું. ગામ બેટમાં ફેરવાયું હોવાના કારણે 29 જેટલા લોકો ફસાયા હતા. આ અંગે જાણ થતાં કોસ્ટ ગાર્ડની એક ટીમ વડોદરાથી રવાના થઇને પહોંચી હતી. જ્યારે વડોદરાથી હેલિકોપ્ટર પણ એરલિફ્ટ કરવા માટે પહોંચ્યું હતું.

ભારે વરસાદને પગલે નવસારીમાં ઠેરઠેર પાણી ભરાયા છે, જેથી લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. વાંગરી ગામે લોકોને રેસ્ક્યુ કરવા જતાં એક ઘટના બની હતી. એનડીઆરએફની ટીમના 5 સભ્યો જે બોટમાં સવાર હતા, તે બોટ પલટી ગઈ હતી. તેમાં એક સ્થાનિક રહેવાસી પણ હતો. 3 NDRFના સભ્યો બોટ સાથે બચી ગયા હતા, પણ બે NDRFના જવાન અને સ્થાનિક તણાયા હતા. હાલ તાણાયેલાઓને બચાવવા દોડધામ શરૂ કરાઇ છે.

કાવેરી અને અંબિકા નદી ભયજનક સપાટી વટાવે તેવી શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે કલેક્ટરે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. અંબિકા નદીમાં સતત વધી રહેલા જળસ્તરના કારણે બિલીમોર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી