September 19, 2021
September 19, 2021

VIDEO : મોબાઈલ, નેટને કારણે પૂરગ્રસ્તો બચી શક્યા…

નાગેશ્વર મંદિર પાસેના ખોડિયાર મંદિરે પૂરમાં ફસાયેલા પરિવારને નવુ જીવન મળ્યુ…

આજના ઈન્ટનેટ યુગમાં અને મોબાઈલ ઉપકરણને કારણે એક પરિવારને નવુ જીવન મળી શક્યું છે. અગાઉ જ્યારે મોબાઈલ ફોન કે આ પ્રકારની સુવિધા નહોતી ત્યારે આ રીતે પુરના પાણીમાં ચારે કોર ફસાયેલાઓ કંઈ રીતે પોતાને બચાવવા માટેની મદદ માંગતા હશે તે એક કલ્પનાનો વિષય હોય શકે પણ આજના મોબાઈલ અને નેટને કારણે અસરગ્રસ્ત પરિવાર દ્રારા વીડિયો ઉતારીને વાયરલ કર્યો અને તેમને બચાવી લેવામાં આવ્યા છે.

જામનગરના નાગેશ્વરમાં ભારે વરસાદના પગલે પૂરમાં ફસાયેલા એક અસરગ્રસ્ત પરિવાર મદદ માંગતો વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો જેના કારણે આજે તેમને નવુ જીવન પ્રાપ્ત થયું છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકે તે માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદના કારણે જિલ્લાના કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં માળીયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે), જોડીયા તેમજ રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે (ધુંવાવ, ખીજડીયા ગામ પાસે), જામનગર ગ્રામ્ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (ખીરી,બાલાચડી ગામ પાસે) અસરગ્રસ્ત થયો છે.

નોંધનીય છે કે, ગઈકાલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢમાં મેઘતાંડવ સર્જાયુ હતું જેના પગલે ઠેરઠેર ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. મેહુલિયોનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી પરિણામે 4300 કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા અને 43ને એરલિફ્ટ કરાયા હતા.

જામનગર અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. રાજકોટના લોધિકામાં 18 કલાકમાં 21 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરમાં એક જ ગામમાં 22 ઇંચ વરસાદ પડ્યો હતો.

 194 ,  3