દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે- હવામાન વિભાગ

આ વર્ષે શિયાળાની ઋતુમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. જેના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળુ પાક જેમ કે જીરું, ઘઉં, કપાસ, દીવેલાને નુકસાન થઈ રહ્યું છે. ચોમાસામાં પહેલા જ ભારે વરસાદથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું હતું ત્યારે હવે વારેવારે પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ત્યારે વધુ એક વખત 8થી 10 જાન્યુ. સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે.

રાજ્યમાં ઠંડી અને કમોસમી વરસાદ કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન નબળું પડતા રાહત મળશે તેવું પણ લાગી રહ્યું હતું. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે. 9મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

જો કે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે પરંતુ વાદળછાંયુ વાતાવરણ સર્જાવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને આશા હતી કે ચોમાસું પાકમાં ભલે નુકસાન ગયું પરંતુ શિયાળું પાકમાં ખૂબ વધારે ઉત્પાદન મળશે. જોકે, હવે શિયાળામાં પણ વારેવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની માઠી બેઠી છે.

 45 ,  1