અમિત જેઠવા મર્ડર કેસ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જામીન પર છોડવા હૂકમ

એક લાખ રૂપિયાના જામીન પર છોડવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે અમિત જેઠવા મર્ડર કેસના દોષિત પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને એક લાખના બોન્ડ પર જામીન આપવા આદેશ કર્યો છે. જુલાઈ 2019માં સીબીઆઈ કોર્ટે દિનુ બોઘા અને અન્ય છ આરોપીઓને 2010માં થયેલા આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાના દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદ સભ્ય દિનુ બોઘા સોલંકીએ CBI કોર્ટ મારફતે ફટકારવામાં આવેલ સજા બાબતે હાઈકોર્ટમાં કરેલ અપીલને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે બંન્ને પક્ષ તરફથી દલીલો સાંભળી હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજુઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દિનું બોગા સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. જ્યારે એક લાખ રૂપિયાના જામીન પર તેમને છોડવા હૂકમ કર્યો છે.

આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

દીનુ બોઘા સોલંકીને આજીવન કેદની સાથે 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ અગાઉ આરોપીને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદની સીબીઆઈ કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ આ કેસમાં શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાણ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષી જાહેર કર્યા હતા. જેમને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

વર્ષ 2010માં હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના સાંસદના ભત્રીજા શિવા સોલંકી અને શાર્પ શુટર શૈલેષ પંડયા સામેલ હતા. જેને કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં. આ મામલે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવતા સાંસદ દીનું બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ પણ કરવામાં આવી હતી

 56 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી