પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ઉજવ્યો જન્મદિવસ, કહ્યું- ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નેતૃત્વ નિષ્ફળ..!

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ આજે તેમના ૯૪માં જન્મદિવસની ગાંધીનગરમાં ઉજવણી કરી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસમાં તેમનાં પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં માધવસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નેતૃત્વ નિષ્ફળ રહ્યું હોવાનું કહ્યું હતું.

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન માધવસિંહ સોલંકીનાં ૯૪માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસના નબળા નેતૃત્વ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગાંધીનગર સર્કિટ હાઉસમાં પોતાનો જન્મદિવસ ઉજવવા પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ક્હ્યું કે, હાલ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ કેમ સત્તામાં નથી તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા છે. આ નેતાગીરીમાં ફેરફાર… બદલાવ લાવવો જોઈએ. કોંગ્રેસની નેતાગીરી સફળ બને તે માટે પ્રયાસો કરવાનું જણાવતાં તેમણે ક્હ્યું કે, ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તન દ્વારા જ ગુજરાતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવી શકે છે.

કોંગ્રેસમાં રાહુલ ગાંધીનાં વિકલ્પમાં મજબૂત ચહેરો વિશે તેમણે કહ્યું કે, મુખ્ય નેતા તો મજબૂત હોવો જોઈએ. આટલા બધા લોકો અભિપ્રાય આપવા માટે હોય તો અભિપ્રાય વિશે વિચાર કરી શાંતિથી જોવુ જોઈએ કે કોનો અભિપ્રાય વધુ સારો છે. પ્રિયંકા ગાંધી પણ ચોક્કસ બની શકે છે. તેઓ સ્વભાવે અને વ્યવહારે લોકોને ગમી જાય તેવા નેતા છે. અત્યાર સુધી તેમના જે અનુભવ જાહેરમાં થયા છે તેમાં લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો હોવાથી તેમનું નેતૃત્વ પણ સારુ રહેશે.

આ પ્રસંગે માધવસિંહ સોલંકીએ જુની યાદોને તાજી કરતાં કહ્યું કે, અમારા સમયમાં સમગ્ર દેશમાં નેતાગીરી અને વહીવટીતંત્રમાં ઉપરથી નીચે સુધીના સંબંધો સારા હતા. જેથી કામ કરવામાં સરળતા રહેતી હતી. ઈન્દિરા ગાંધી સામે યોગ્ય રજૂઆત કરો તો ઉકેલ મળ્યા વગર રહે જ નહિ. તેથી ઘણી સારી યોજનાઓ અમારા સમયમાં લાવી શકાઈ હતી.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી