ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન

ગુજરાત કોંગ્રેસના પીઢ અગ્રણી માધવસિંહ સોલંકીનું નિધન, સમર્થકોમાં શોકનો માહોલ

ગુજરાતના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીનું નિધન થયુ છે. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે.
 
રાષ્ટ્રીય કક્ષાએ મહાત્મય ધરાવનાર માધવસિંહ સોલંકી “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. પહેલીવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી અને 7 જૂન, 1980નાં રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા, જે 10 માર્ચ 1985 સુધી પદ પર રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બન્યા, 11 માર્ચ 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે 6 જૂલાઈ 1985માં રાજીનામું આપવું પડ્યુ હતુ. ચોથીવાર 10 ડિસેમ્બર 1989થી 4 માર્ચ 1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
 
 તેમના શાસનકાળ દરમિયાન લાગુ કરેલ મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશ માટે આર્શીવાદ સમાન સાબિત થઈ છે. 
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઘણા વર્ષોથી તેઓ બીમાર રહેતા હતા. છતા તેઓ આજીવન પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી મુખ્યમઁત્રી રહ્યા. ગુજરાતની અનેક જાહેર સેવાકીય પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં શરૂ થઈ હતી. દાયકાઓ સુધી તેમણે જનતાની સેવા કરી. તેઓ આપણી વચ્ચે રહ્યા નથી તે દુખદ બાબત છે. હું તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. 

 53 ,  1