પૂર્વ CM કેપ્ટન v/s મુખ્યમંત્રી ચન્ની, પંજાબમાં BSFનો વધ્યો પાવર, ગુજરાતમાં ઘટ્યો

BSFના અધિકાર ક્ષેત્રમાં વધારાને લઈ રાજકારણ

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત રાજકીય ગરમાવો શરૂ થયો છે. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સામસામે આવી ગયા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ને વધુ સત્તા આપવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો છે. એક તરફ જ્યાં સીએમ ચન્નીએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે, તો બીજી તરફ પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ નિર્ણયને આવકાર્યો છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના અધિકાર ક્ષેત્રનો 3 નવા રાજ્યો (આસામ, પ. બંગાળ અને પંજાબ)માં વધારવામાં આવ્યો છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદની 50 કિમીની અંદર BSFના અધિકારીએને ધરપકડ, જપ્તી અને સર્ચ કરવાની સત્તા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સરહદ પારથી ડ્રોન હુમલા થયા છે જેના કારણે BSFના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે.

જોકે આ પગલાંના કારણે રાજ્યની સ્વાયત્તાને લઈ મામલો ગરમાયો છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આ અંગે વિરોધ નોંધાવતા જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સરહદો સાથે 50 કિમીની ત્રિજ્યામાં BSFને વધારાની સત્તા આપવાના સરકારના એક તરફી નિર્ણયની હું સખત નિંદા કરું છું. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરૂ છું કે, આ તર્કહિન નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે.

ગેરકાયદે પ્રવૃત્તિ અંકુશમાં આવશે – ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી ગેરકાયદે પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તે વહીવટી અને રાજકીય મુદ્દાઓ પણ ઉભા કરી શકે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે, રાજકીય રીતે આ ખૂબ સંવેદનશીલ નિર્ણય છે. BSFનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદોની સુરક્ષા અને ઘૂસણખોરી અટકાવવાનો છે.

સ્થાનિક પોલીસની રાહ જોવી પડશે નહીં – BSF
BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જો અમારી પાસે કોઈપણ મામલે બાતમી કે કોઈ ગુપ્ત માહિતી હશે તો અમારે સ્થાનિક પોલીસના જવાબની રાહ જોવી પડશે નહીં અને અમે સમયસર નિવારક પગલાં લઈ શકીશું.

નવા જાહેરનામાં પ્રમાણે, BSFના અધિકારીઓ પશ્ચિમ બંગાળ, પંજાબ અને આસામમાં ધરપકડ કરી શકશે અને સર્ચ પણ કરી શકશે. BSFને ક્રિમિનલ પ્રોસીજર કોડ (CRPC), પાસપોર્ટ એક્ટ (ભારતમાં પ્રવેશ) હેઠળ આ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. આસામ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં BSFને રાજ્ય પોલીસ જેટલી જ સર્ચ અને ધરપકડ કરવાની સત્તા મળી છે.
ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ (IB)થી ભારતીય ક્ષેત્રની અંદર 50 કિમીના વિસ્તારમાં દરોડા અને ધરપકડ કરવાની મંજૂરી આપી છે. અગાઉ આ રેન્જ 15 કિમી હતી. આ સિવાય BSF નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને લદ્દાખમાં પણ સર્ચ અને ધરપકડ કરી શકશે.

ગુજરાતમાં અધિકારક્ષેત્રમાં ઘટાડો
જો કે, આ સાથે ગુજરાતમાં BSFના અધિકાર ક્ષેત્રમાં ઘટાડો કરવામાં આવ્યો છે સરહદની ત્રિજ્યા 80 કિમીથી ઘટાડીને 50 કિમી કરી દેવામાં આવી છે, જ્યારે રાજસ્થાનમાં ત્રિજ્યા વિસ્તાર પહેલાની જેમ 50 કિમી રાખવામાં આવ્યો છે. પાંચ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર માટે કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. આ સાથે જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં પણ કોઈ સીમા નક્કી નથી.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ એક્ટ, 1968ની કલમ 139 કેન્દ્રને બોર્ડર સિક્યુરિટી ફોર્સના વિસ્તાર અને કામગીરીના વિસ્તારને સમય સમય પર સૂચિત કરવાની સત્તા આપે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સરહદી વિસ્તારોના ‘સમયપત્રક’ માં સુધારો કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પાસપોર્ટ એક્ટ, એનડીપીએસ એક્ટ અને કસ્ટમ્સ એક્ટ જેવા કાયદા હેઠળ BSFને સર્ચ, જપ્તી અને ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી