કોરોના સંકટમાં પૂર્વ સીએમની અનોખી માનવીય ઓફર…!

બાપુ – મારી બંને સંસ્થામાં કોવિડ હોસ્પિટલ બનાવી દો…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી સેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. પત્રમાં શંકરસિંહ તેમની સંસ્થાના 2 સ્થળોને કોવિડ સેવામાં આપવા રજૂઆત કરી છે. ગાંધીનગરના 2 સ્થળોને સેવામાં સામેલ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શંકરસિંહે કહ્યું, 2 ઈમારતોને કોવિડ કેર સેન્ટર બનાવી શકો છો. સાથે જ આર્થિક નબળા લોકોને ફાઉન્ડેશન મદદ કરશે તેવી પણ જાહેરાત કરી.

કોરોનાનો કાળો કહેર વેઠતા ગુજરાતમાં સંક્રમણનો વધારો સૌ ચિંતાજનક છે, તો સામે સેવાભાવી સંસ્થાઓ પોતાને ત્યાં એવા કોવિડ કેર સેન્ટર ખોલવા આગળ આવવા લાગી છે, જ્યાં હળવો ચેપ ધરાવતા દર્દી ને ગૃહ એકાંતવાસ માં રાખી સારવાર આપી શકાય. ત્યારે ગુજરાતના બાપુએ રૂપાણીને પત્ર લખી તેમની બે કોલેજને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટે સોંપવા તૈયાર છે.

જણાવી દઈએ, બે દિવસ પહેલા બાપુએ રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ ભાજપા સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કપરા સમયે પણ લોકોના જીવ સાથે ચેડા કરીને ભાજપે લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. ગુજરાતમાં હોસ્પિટલોની બનેલી હાલતે કથિત ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે. નાગરિકોના કરોડો રૂપિયા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના વિમાન પાછળ વેડફાય છે, પણ નાગરિકોને એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નથી મળતી.

હાઈકોર્ટે ખખડાવ્યા બાદ રૂપાણી સરકારે તાબડતોડ લીધા નિર્ણય

કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ વિસ્તારોની ખાનગી ઑફિસોમાં પણ એક સમયે ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ હાજર રહી શકશે નહિ. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઑફિસોએ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે.

તો એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને અનુરોધ કર્યો. આ સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે તેમ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.

તો લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈપણ કારણોસર ૫૦થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ.આ નિયમ ૧૪મી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિને એકત્રિત કરી શકાશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 

 95 ,  1