નિખિલ સવાણીની આપમાં એન્ટ્રી, હાર્દિકે કહ્યું – જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે

મોદી સરકારની જેમ ધમકાવીને અને દબાવીને નથી રાખતા – હાર્દિક પટેલ

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો સાથીદાર અને પૂર્વ યુવા પ્રદેશ પ્રમુખ નિખિલ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થઈ ચૂકી છે. કેટલાક દિવસોથી અટકળો ચાલતી હતી આજે વિધિવત રીતે યુવા નેતા નિખિલ સવાણી આપમાં જોડાયા છે. ત્યારે આ મામલે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નિખિલ સવાણી હાલ આમ આદમી પાર્ટીમાં ગયા છે તેનાથી કોંગ્રેસને કંઈ ફેર નથી પડતો. તેમને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે. કોંગ્રેસ પર આમ આદમી પાર્ટીની નજર છે. પરંતુ અમારા કરતા તો ભાજપના વધુ ઉમેદવારો ‘આપ’માં ગયા છે.

વધુમાં ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, નારાજ મતદારો વિરોધપક્ષ કોંગ્રેસમાં ન જાય. એટલા માટે આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટે આ ભાજપનું ષડયંત્ર છે.પરંતુ આવતી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે તેનો મને વિશ્વાસ છે.

આપમાં જોડાયા બાદ નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, તેમજ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને મનોજભાઈ સહિતના નેતાઓએ ખેડૂતો, યુવાનો તેમજ શિક્ષણ માટે વિપક્ષમા ન હોવા છતાં વિપક્ષમાં બેસીને જે કામ પ્રજા માટે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે તેનાથી પ્રેરાઈ આજે પાર્ટીમાં જોડાયો છું.

 57 ,  1