1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

હાર્ટ એટેકના કારણે યશપાલ શર્માનું નિધન, સમાચાર સાંભળતા જ કપીલ દેવ રડી પડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર અહમ ભૂમિકા નિભાવનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે હાર્ટ અટેકના કારણે યશપાલ શર્માનું અવસાન થયુ છે.

યશપાલ શર્માએ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 34ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તે જ સમયે, કુલ 42 વનડે મેચમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે તેની ટીમના સાથીના મોત પર કહ્યું હતું કે તે સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે અને આ વાત માનવા તૈયાર નથી કે તેમનુ નિધન થયુ છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરી, પછી અમે વર્લ્ડ કપમાં સાથે રમ્યા. પૂર્વ કેપ્ટન કપિલ દેવ યશપાલ શર્માના અવસાન પર પોતાના આંસુ રોકી શક્યા નહીં. કપિલ દેવ સમાચાર સાંભળતા જ રડવા લાગ્યા હતા.

યશપાલ શર્મા મૂળ પંજાબના હતા, તેમનો જન્મ 11 ઓગસ્ટ 1954માં થયો હતો. પંજાબ સ્કૂલ તરફથી રમતા, યશપાલ શર્માએ 260 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ તે સતત ચર્ચાઓમાં છવાયેલા રહેતા હતા.

 48 ,  1