ગાંધીનગર : હાઈકોર્ટ કમિશને સ્થળ ચકાસણી શરૂ કરી, સીલબંધ કવરમાં રિપૉર્ટ સોપાશે

કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર પિન્કી પટેલની અરજીના પગલે હાઇકોર્ટે આપ્યા હતા સિલિંગના આદેશ

ગાંધીનગરના પૂર્વ મેયરની કોમર્શિયલ બિલ્ડિંગ વિવાદમાં…

ગાંધીનગરના પૂર્વ મેયર અને ભાજપના નેતા રીટાબેન પટેલે સેક્ટર 11માં બનાવેલા સ્કાય લાઈન કોમર્શિયલ બિલ્ડિંગ વિવાદમાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પિન્કી પટેલ દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવીછે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે બિલ્ડિંગને ગેરકાયદેસર ગણાવી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેનાં પગલે હાઈકોર્ટ દ્વારા કથિત ગેરકાયદેસર બિલ્ડીંગ મામલે બે જુનિયર વકીલોનું કમિશન નિયુકત કર્યું હતું. જે અન્વયે આજે ગુરૂવારે કોર્ટ કમિશનની ટીમ દ્વારા બિલ્ડીંગની સ્થળ ચકાસણી શરૂ કરાઈ છે.

આ અરજીની સુનાવણી દરમિયાન કોર્પોરેશન તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે, સેક્ટર – 11 માં વિકાસ પરવાનગી વગર કોમર્શિયલ બિલ્ડિંગ બન્યું હોવાથી લાઈટ, પાણીની સુવિધા અપાઈ નથી. તેમજ બિલ્ડિંગનો કબજો કોઈને અપાયો નથી. જોકે, અરજદાર તરફથી કોર્પોરેશનનાં આ દાવા સાચા ન હોવાની દલીલ થઈ હતી. જેથી હાઈકોર્ટે આ મામલે હકીકત જાણવા માટે બે સભ્યોનું કમિશન બનાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના બે સભ્યોનું આ કમિશન પોલીસ બંદોબસ્ત સાથે આજે સ્થળની તપાસ કરવા માટે આવી પહોંચ્યું છે. જે સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે.

પૂર્વ મેયર રીટાબેન કેતનકુમાર પટેલ જે.કે. ઈન્ફ્રા નામની કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધરાવે છે. તેઓ મેયર પદે હતા ત્યારે તેમની કંપની દ્વારા સેક્ટર – 11 માં બનાવેલી 11 માળની કમર્શિયલ બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો વિવાદ થયો હતો. મેયરની માલિકી હોવાના કારણે કોર્પોરેશન તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી થતી નહીં હોવાનો કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે આક્ષેપ કર્યો હતો. ગેરકાયદેસર બાંધકામ સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવાની માગણી સાથે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પિન્કીબેન રજનીકુમાર પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

અરજીમાં તેમના તરફથી દાવો કરાયો હતો કે, મેયરની કંપનીએ બનાવેલી બિલ્ડિંગમાં વિકાસ પરવાનગી વગર કામ હાથ ધરાયું છે અને જીડીસીઆરના નિયમોની જોગવાઈથી વિરુદ્ધ ત્રણ માળ વધારાના ખડકી દેવાયા છે. પૂર્વ મેયરની વિવાદાસ્પદ બિલ્ડિંગને વિકાસ પરવાનગીનો મુદ્દો વિચારાધિન હોવાનો સ્વીકાર મનપા તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.

આ સાથે મનપા તંત્ર તરફથી રજૂઆત કરાઈ હતી કે, વિકાસ પરવાનગી ન હોવાથી બિલ્ડિંગને બીયુ સર્ટિફિકેટ અપાયું નથી. બિલ્ડિંગનું બાંધકામ અટકાવી દેવાયું છે અને તેને લાઈટ, પાણી સહિતની સુવિધાઓ અપાઈ નથી. બિલ્ડિંગનું પઝેશન કોઈને અપાયું નથી અથવા તેનો ઉપયોગ પણ અટકાવી દેવાયો છે તેવો દાવો કરાયો હતો. જેના જવાબમાં અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, ઉક્ત બિલ્ડિંગમાં લાઈટ-પાણી સહિતની સુવિધાઓ છે તથા દરેક દુકાન દીઠ અલગ વીજ મીટરો લાગી ગયા છે. આ મેટર સબ જ્યુડિસ હોવા છતાં બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઓક્યુપન્સી (કબજો આપવાની) પ્રવૃત્તિ ચાલુ છે.

આ દરમિયાન બિલ્ડર અને પૂર્વ મેયર તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, અગાઉ તેમના બિલ્ડિંગને વિકાસ પરવાનગી મળી હતી અને તેના આધારે બાંધકામ ચાલતુ હતું. દરમિયાન ઓક્ટોબર 2017માં નવા જીડીસીઆર અમલી થયા હતા. જેના પગલે ત્રણ માળ વધારાના ખેંચવાની મંજૂરી મળી શકે તેમ હતી. તેથી વધારાના માળ સાથેની વિકાસ પરવાનગી મ્યુનિ. તંત્ર પાસેથી લેવાઈ હતી અને તેને મંજૂરી અપાઈ હતી. ફેબ્રુઆરી-2018માં મંજૂરી પાછી ખેંચી લેવાઈ હતી, પરંતુ આ અંગેની જાણ જુલાઈ-2018માં થઈ હતી અને ત્યાં સુધીમાં વધારાના ત્રણ માળ બની ગયા હતા. સાડા ચાર મહિનાના સમયમાં ત્રણ માળ બનાવી દેવાયા હોવાની ઉક્ત દલીલના સમર્થનમાં બિલ અને બાંધકામની વિગતો સહિતના પુરાવા રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. ત્રણેય પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર તરફથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. તેથી તેની હકીકત ચકાસવા માટે બાર એસોસિએશનના બે સભ્યનું કમિશન બનાવવામાં આવ્યું છે.

આજે કમિશને બિલ્ડિંગની મુલાકાત લઈને ચકાસણી કરી હતી અને બિલ્ડિંગના સ્ટેસ ઉપરાંત તેનો વપરાશ થાય છે કે નહીં, કેટલું બાંધકામ થયું છે, વીજળી, પાણી અને ગટર કનેક્શન અપાયા છે કેમ તેની ચકાસણી કરી હતી. જેમાં અમુક દુકાનો ભાડે આપી દીધી હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે આગામી મુદત પેહલા કોર્ટમાં બંધ સીલ કવરમાં રિપૉર્ટ રજૂ થયા પછી હાઈકોર્ટ આગળની કાર્યવાહી કરશે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી