આખરે ભાગેડુ પૂર્વ કમિશ્નર થયા હાજર

‘હું તો ચંદીગઢમાં જ હતો…’ – પરમબીરનો ખુલાસો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંઘ આજે આખરે મુંબઈના કાંદિવલી ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયા છે. ભાગેડુ જાહેર કરાયેલા પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટે ધરપકડ સામે રક્ષણ આપ્યા બાદ જ પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંઘ ચંદીગઢથી ફ્લાઈટ પકડીને મુંબઈ આવી પહોચ્યા હતા. નોંધનીય છે કે, પૂર્વ કમિશ્નર ઓક્ટોબર માસથી જ ફરાર હતા.

મુંબઈ આવીને પરમબીર સિંઘ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના યુનિટ નં.11 સમક્ષ હાજર થયા હતા. તેમના વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ખંડણી માગવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જ તેમનું નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે. એન્ટિલિયા કેસ બાદ સિંઘ પર ગંભીર આક્ષેપ થયા હતા, અને તેમણે પણ તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતા. જોકે, આ ઘટના બાદ તેઓ મે મહિનાથી નોકરી પર હાજર નથી થયા. પરમવીર સિંઘે ગૃહમંત્રી સામે જ કરોડોના હપ્તા ઉઘરાવવાના આરોપો મૂકી દેતા મહારાષ્ટ્રનું રાજકારણ પણ જોરદાર ગરમાયું હતું. આખરે આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.

અચાનક ગાયબ થઈ ગયેલા પરમવીર સિંઘને પકડવા માટે મુંબઈ પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. કોર્ટ દ્વારા પણ તેમને ભાગેડું જાહેર કરાયા હતા. એન્ટિલિયા કેસના મુખ્ય આરોપી સચિન વાઝે સાથે તેમણે કાવતરું ઘડીને મોટા તોડ કરવા માટે પ્લાન બનાવ્યો હોવાનો તેમના પર આરોપ છે. મહારાષ્ટ્રની કોઈ કોર્ટમાંથી ધરપકડ સામે રક્ષણ ન મળતા પરમવીર સિંહને સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું. આ દરમિયાન નીચલી કોર્ટે તો પરમવીરને ભાગેડુ જ જાહેર કરી દીધા હતા.

એન્ટિલિયા કેસનો મુખ્ય કાવતરાખોર સચિન વાઝે જ્યારે તેમાં ધરપકડ કરાયો તે વખતે જ પરમવીર સિંઘની મુંબઈ સીપી પદેથી ટ્રાન્સફર કરીને તેમને થાણે મોકલી દેવાયા હતા. જોકે, ત્યાં તેઓ એકેય દિવસ હાજર નથી રહ્યા. બીજી તરફ, પરમવીર સિંઘની સાથે કામ કરી ચૂકેલો વિવાદાસ્પદ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝે હજુય જેલમાં બંધ છે. એટલું જ નહીં, રાજ્યના ખુદ પૂર્વ ગૃહમંત્રી પોતે પણ હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે. એક સમયે તો પરમવીર સિંહ ભારતની બહાર જતા રહ્યાનો આક્ષેપ પણ થયો હતો. જેના પર સ્પષ્ટતા કરતા તેમણે ગઈકાલે જ કહ્યું હતું કે તેઓ ક્યાંય બહાર નથી ગયા, અને ચંદીગઢમાં જ રોકાયેલા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી