September 27, 2020
September 27, 2020

અલવિદા ‘પ્રણવ દા’ : આજે બપોરે અંતિમ સંસ્કાર, 7 દિવસનો રાષ્ટ્રીય શોક

‘ભારત રત્ન’, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષે નિધન થયું છે. ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.

પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. તો બીજી આજે બપોરે તેમના મૃતહેહના અગ્નિસંસ્કાર થશે.

PM મોદી, શાહ, રાહુલ ગાંધી સહિત તમામ હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ તેમને વિદ્ધાન અને કદાવર સ્ટેટ્સમેન ગણાવતા કહ્યું કે દેશની વિકાસ યાત્રામાં પોતાની અમિટ છાપ છોડી ગયા. ગૃહમંત્રી શાહે પ્રણવ દાના શાનદાર કેરિયરને દેશ માટે ગર્વ ગણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રણવ મુખર્જીની સાથેની પોતાની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી છે. એક તસવીરમાં પીએમ મોદી પ્રણવ મુખર્જીના પગ સ્પર્શી રહ્યા છે.
પીએમ મોદીએ લખ્યું કે, ‘ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધનથી ભારત દુ:ખી છે. આપણા દેસની વિકાસ યાત્રામાં અમિટ છાપ છોડી છે. તેઓ ઉત્કૃષ્ટ કોટિના વિદ્ધાન છે અને કદાવર સ્ટેટ્સમેન હતા જેમને દરેક રાજનૈતિક લોકો અને સમાજથી પ્રશંસા મળી હતી.

રાજકીય સફર

11 ડિસેમ્બર 1935ના રોજ જન્મેલા પ્રણવ મુખ્રજી પ્રોફેસર બન્યા હતા. તેમણે 1963માં પશ્ચિમ બંગાળની વિદ્યાનગર કોલેજમાંથી પોલીટિકલ સાઈન્સનો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવ્યો છે.
એટલુ જ નહીં પણ તેમને સ્થાનીક બંગાળી અખબાર દેશર ડાકમાં પત્રકાર તરીકે કામ પણ કર્યુ છે.

કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે, રાજકારણમાં તેમણે ઈંદિરા ગાંધી લઈને આવ્યા હતા અને તેમને રાજ્યસભના સભ્ય બનવા માટે માર્ગદર્શન આપ્યુ હતું.
પ્રણબ મુખર્જી રાજકારણમાં પ્રણવ દા નામ તરીકે જાણીતા હતા. રાજકારણમાં તેમનો ખૂબ જ લાંબો અનુભવ રહ્યો છે. યૂપીએ સરકારમાં પ્રણવ મુખર્જી પાસે નાણા મંત્રાલય સિવાય ઘણી મુખ્ય જવાબદારીઓ હતી. તેમને કૉંગ્રેસના સંકટ મોચકની સંજ્ઞા આપવામાં આવી હતી. પ્રણવ મુખર્જીએ પોતાની રાજકીય કરીયરની શરૂઆત બાંગ્લા કૉંગ્રેસથી કરી હતી. જુલાઈ 1969માં તેઓ પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સદસ્ય રહ્યા. આ સિવાય 1980થી 1985 સુધી રાજ્યમાં સદનના નેતા પણ રહ્યા. મે 2004માં ચૂંટણી જીતી લોકસભા પહોંચ્યા અને 2012 સુધી સદનના નેતા રહ્યા હતા.

1986 માં કૉંગ્રેસથી થયા હતા અલગ

એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેમણે કૉંગ્રેસ છોડી દિધી હતી. 1986માં પ્રણવ દા કૉંગ્રેસ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. ઈન્દિરા ગાંધીના મોત બાદ રાજીવ ગાંધી પીએમ બન્યા. રાજીવના પીએમ બન્યા બાદ પ્રણવ મુખર્જીને પાર્ટીમાં સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હતા. તેઓ કેબિનેટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેનાથી નારાજ થઈ અંતે પ્રણવા મુખર્જીએ 1986માં કૉંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કર્યો અને રાષ્ટ્રીય સમાજવાદી કૉંગ્રેસ બનાવી હતી.

પ્રણવ મુખર્જીની પાર્ટી 1987માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ તેમની પાર્ટીને પ્રથમ ચૂંટણીમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં પ્રણવ મુખર્જી 1988માં કૉંગ્રેસમાં બીજી વખત પરત ફર્યા હતા. મુખર્જીને કૉંગ્રેસમાં પરત આવતાની સાથે જ ઈનામ મળ્યું અને તેમને નરસિમ્હા રાવની સરકારમાં 1991માં યોજના આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

2004માં સોનિયા ગાંધીએ જ્યારે પીએમ બનવાનો ઈનકાર કર્યો હતો ત્યારે પ્રણવ મુખર્જીનું નામ પણ પ્રધાનમંત્રી પદના દાવેદારમાં સામેલ હતું. પ્રણબ મુખર્જીને મનમોહન સિંહની સરકારમાં રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી જેવા મુખ્ય પદ મળ્યા હતા. 2012માં પ્રણવ મુખર્જીને કૉંગ્રેસે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા અને તેઓ એનડીએ સમર્થિત પીએ સંગમાને હરાવી દેશના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

આતંકવાદી કસાબ, અફઝલ અને યાકૂબની ફાંસી પર મારી હતી મહોર

પ્રણવ દા એ રાષ્ટ્રપતિમાં સામેલ છે, જેમણે અનેક દયા અરજી રદ કરી દીધી છે. તેમણે 7 દયા અરજીને રદ કરી હતી. જેમાં અફઝલ ગુરૂ અને અજમલ કસાબની દયા અરજી પણ સામેલ હતી.
પ્રણવ મુખર્જીએ ત્રણ આતંકવાદીઓને ફાંસીની સજા પર મહોર લગાવી હતી. આમાં સંસદ પર હુમલાનો આરોપી અફઝલ ગુરૂ, મુંબઈ હુમલાનો આરોપી અજમલ કસાબ અને મુંબઈ ધમાકાનો આરોપી યાકૂબ મેમણ સામેલ છે.

ભારત રત્નથી સન્માનિત

મુખર્જીએ ભારતીય અર્થવ્યવસ્થા અને રાષ્ટ્ર નિર્માણ પર ઘણા પુસ્તકો લખ્યા છે. તેમને ઘણા એવોર્ડ અને સન્માન મળ્યા. આમાં 2008માં પદ્મ વિભૂષણ, 1997માં સર્વશ્રેષ્ઠ સંસદસભ્ય અને 2011માં ભારતમાં સર્વશ્રેષ્ઠ સંચાલકનો એવોર્ડ શામેલ છે. વિશ્વની ઘણી યુનિવર્સિટીઓએ તેમને માનદ ડોકટરેટ એનાયત કર્યા. 2019માં મોદી સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર