સ્ટેટ બેંકના કોઇ ચેરમેન ખોટુ કરે..? કેસ તો એવો જ છે..!

સૌથી પ્રતિષ્ઠિત બેંકના પૂર્વ ચેરમેનની ધરપકડથી હલચલ

200 કરોડની સંપત્તિ 25 કરોડમાં આપી દીધી..?

ચૌધરીનો મામલો ચંદા કોચર જેવો જ છે…!

કોચરે 2800 કરોડ માંડવાળ કર્યા અને -પતિએ…

મોટા અને ઉજળાઓની ખતરનાક માનસિકતા-કરી જ નાંખો…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની સૌથી મોટી બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની બેંક છે. વિશ્વની સૌથી મોટી બેંકોમાં તેનો 43મો નંબર આવે છે અને વિશ્વની 500 કોર્પોરેટ કંપનીઓમાં 221મા નંબરે છે. બેંકિંગ સેકટરમાં સ્ટેટ બેંકના ચેરમેન હોવુ એ એક ગર્વ અને પ્રતિષ્ઠા ગણાય છે. પરંતુ આ બેંકના એક પૂર્વ ચેરમેન પ્રતિપ ચૌધરીની ફોર્જરી-ચીટીંગ કે ચારસોવીસીમાં ધરપકડ થતાં બેંકીંગ વર્તુળોમાં હલચલ તો મચી જ ગયું છે અને કેટલાક વળી તેની વ્હારે આવ્યાં અને કહ્યું કે આ ખોટુ છે…આવુ ના હોય…બીજા સ્ટેટની પોલીસ સમન્સ વગર કઇ રીતે એકાએક ધરપકડ કરી શકે….?

એસબીઆઇના પૂર્વ ચેરમેન ચૌધરીની ધરપકડ રાજસ્થાનની જેસલમેર પોલીસે દિલ્હીમાં જઇને કરી છે. રાજસ્થાનના જેસલમેરની એક હોટલને અપાયેલી લોન કૌભાંડના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. જેસલમેરમાં ગોદાવન ગ્રુપની 200 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકના નિયમો વિરુદ્ધ માત્ર 24 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હોવાનો આરોપ છે. બેંકે આ મિલકત લોનની ચૂકવણી ન કરવા બદલ ટાંચમાં લીધી હતી.

પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ, મામલા યે હૈ કી વર્ષ 2008માં આ ગ્રુપે હોટલ બનાવવા સ્ટેટ પાસેથી 24 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ સમૂહ અન્ય એક હોટલ પણ ચલાવી રહ્યું છે. હોટલ ગૃપ બીજી હોટેલ માટે એસબીઆઈ પાસેથી લીધેલી લોન ચૂકવી શક્યું નહીં પરિણામે સ્ટેટ બેંકે આ નિર્માણાધીન હોટેલ અને અન્ય એક કાર્યરત હોટલને નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) ગણીને જપ્ત કરી લેવાઇ. તે સમયે પ્રતિપ ચૌધરી ભારતની સૌથી મોટી બેંકના ચેરમેન હતા.

એનપીએ જાહેર કરાયેલી મિલકત અન્ય એક કંપનીએ 24 કરોડમાં ખરીદી લીધી. ખરીદનાર કંપનીએ વર્ષ 2016માં તેનો કબજો લીધો.. 2017માં જ્યારે આ પ્રોપર્ટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે તેની બજાર કિંમત 160 કરોડ રૂપિયા હોવાનું જાહેર થયું. અને હવે તેની કિંમત 200 કરોડની આસપાસ છે. એટલે પ્રતિપ ચૌધરી સામે એવો આરોપ છે કે અંદાજે 200 કરોડની સંપત્તિ માત્ર 24 કે 25 કરોડમાં આપી દીધી… મામલો ત્યાં જ અટકી ગયો હોત. પણ ચૌધરીએ ભૂલ ક્યાં કરી…?

જે કંપનીએ માર્કેટ રેટ કરતા નીચા ભાવે હોટલ ખરીદી હતી તે જ કંપનીમાં નિવૃત્ત થયા બાદ ચૌધરી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ગોઠવાઇ ગયા…!! અર્થાત ખેલ કેવો થયો કે પહેલાં તો મિલકત એનપીએ જાહેર કરી. પછી લાગતા વળગતાને પાણીના ભાવે આપી દીધી અને પછી પોતે એ કંપનીમાં ધીરે રહીને ગોઠવાઇ ગયા…! પછી તો જેને શંકા ન જાય એને પણ એમ થાય કે યહાં તો પૂરી દાલ હી કાલી હૈ સસુરી…! જેમની હોટેલ હતી તેઓ હોટલ વેચાયા બાદ કોર્ટમાં ગયા અને પ્રતિષ્ઠિત સ્ટેટ બેંકના તત્કાલિન ચેરમેન સહિત અન્યોની સામે કેસ નોંધાયો.

આ કેસની સરખામણી ખાનગી બેંક આઇસીઆઇસીઆઇના તત્કાલિન ચેરમેન સીએમડી ચંદા કોચરની સામે થયેલા કેસની સાથે કરી શકાય…? 5-6 વર્ષ પહેલા ચંદા કોચર જાહેર જીવનમાં અને સરકારમાં તથા બેંકિંગ સેકટરમાં ભારે માન-મરતબો અને મોભો ધરાવતા હતા. પરંતુ વિડિયોકોન કંપનીના કર્તા-હર્તા વેણુગોપાલ ધૂતને અંદાજે 3200 કરોડની આપેલી લોનમાંથી 800 કરોડ ચૂકવાયા બાદ બાકીની રકમ માંડવાળ કરવા એનપીએ કરી નાંખી…આ વિડિયોકોનવાળાને વળી આઇસીઆઇસીઆઇ સહિત અન્યોએ ભેગા મળીને 30 હજાર કરોડની લોન આપી હતી…

સ્ટેટ બેંકના ચૌધરીની જેમ…કોચરના નિર્ણય પર પહેલાં તો કોઇને શંકા ના ગઇ. પણ બેંકમાં કેટલાક જાગૃત અને કોચર ફેમીલીની પ્રવૃતિઓ પર નજર નાંખનારાઓ શોધી કાઢ્યું કે વિડિયોકોન કંપનીના માલિકે ચંદા કોચરના પતિ દિપકની એક કંપનીમાં 64 કરોડનું રોકાણ કર્યું… અને પછી એવો પ્રેમ ઉભરાયો કે દિપકની કંપની લઇ લીધી…એટલે આડકતરી રીતે 64 કરોડની લાંચ આપી…? પ્રતિપ ચૈધરી જેવો જ મામલો. તેઓ પોતે ઓલી કંપનીમાં ગોઠવાઇ ગયા જેનો ફાયદો કરાવી આપ્યો તો ચંદાએ આપેલી અને એનપીએ કરેલી લોનના ફાયદા પેટે વિડિયોકોને તેના પતિની કંપનીને ફાયદો કરાવી આપ્યો..ઘી ઢોળાયું તો ખીચડીમાં…? ના ઘરમાં…!
ખાનગી બેંક આઇસીઆઇસીઆઇ દ્વારા પહેલાં તો આંતરિક તપાસ કરવામાં આવી અને તથ્ય જણાંતા મામલો પોલીસમાં અને ચંદા કોચર તથા તેમના પતિ દિપક કોચરની સામે કેસો થયા.. દિપકની ધરપકડ થઇ પણ ચંદાની કેસ નોંધાયા બાદ ઘણાં સમય સુધી ધરપકડ ના થઇ અને છેવટે કાયદાની કોઇ છટકબારીનો લાભ લઇને ધરપકડ વગર જામીન પર છૂટકારો…? ચંદા કોચરની ધરપકડની તસ્વીરો હોય તો શેર કરજો….

હાઇપ્રોફોઇલ પદ પર બિરાજમાન કોચર કે ચૌધરીને એવી તે શું ખોટ પડી હશે કે એનપીએના બદલામાં 64 કરોડનું રોકાણ ( એક રીતે પતિમહાશય દ્વારા ઘરમાં પૈસા મોકલવાની પધ્ધતિ) લેવુ કે રોકાણ કરાવવું અને હોટેલના કેસમાં જેને લાભ કરાવી આપ્યો એ કંપનીમાં ડિરેક્ટર તરીકે ગોઠવાઇ જવુ…? આવા નિર્ણયોની પાછળ કોઇ લેતી-દેતી હોય છે કે પછી…?

ચૌધરીની ધરપકડના કેસમાં તેમની સાથે બેંકની પણ બદનામી થઇ. આટલી મોટી બેંકના ચેરમેનપદે રહીને સરકારનો વિશ્વાસભંગ કર્યો અને બેંકિંગ સેક્ટરમાં પોતની આબરૂની ધૂળધાણી કરી નાંખી..!! પોલીસ કેસ પ્રમાણે, 200 કરોડની સંપત્તિ 25 કરોડમાં આપી તો બદલામાં શું મળ્યું હશે કે શું આપ્યું હશે..? એ બધુ ધીમે ધીમે તપાસમાં ખૂલશે…

પણ આર્થિક ગેરરીતિ આચરનારાઓમાં હવે મોટા મોટા માથાઓ અને સમાજમાં દૂધ જેવી સફેદી સાથે ઉજળા-ઉજળા થઇને ફરતાં ઉદ્યોગપતિઓ-એમડી,સીએમડીની માનસિકતા એવી જોવા મળે છે કે, કાળા કારનામાથી તેમને હવે સમાજમાં કોઇ બદનામીનો ડર લાગતો હોય તેમ જણાતુ નથી… લોકોના, સરકારના, બેંકોના કરોડો-અબજો લઇને ડૂબાડવા અને વિદેશમાં ભાગી જવુ..વિદેશ ના જવુ હોય પછી ધરપકડ થાય, જામીન મળે તો બહાર એશોઆરામ, જામીન ન મળે તો જેલમાં જ પૈસાના જોરે બધી સગવડ મેળવવી અને મહાભારતના સૂત્રધાર….સમય…ની સાથે સાથે ભૂલાઇ જશે કે ચંદા કોચરે પોતાની જ બેંકને નુકશાન અને વિડિયોકોનને લાભ પહોંચાડ્યુ તો કોઇ ચૌધરીએ પોતાની જ બેંકને ઘાટે મેં ડાલ કર અને સામાવાળાને ફાયદો કરાવીને કાંઇ ખોટુ કર્યું હતું….! ના..,ના..એવુ કાંઇ નથી થયું…કોણ કહે છે…?!

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી