Paytm લિસ્ટિંગની ઈવેન્ટમાં ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા..

સોશિયલ મીડિયા પર લોકોએ રોષ વ્યક્ત કર્યો, કહ્યુ- હવે રોકાણકારો રડી રહ્યા છે

ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માની આંખોમાં આજે આંસુ આવી ગયા. આ ત્યારે થયું જ્યારે Paytm શેરબજારમાં લિસ્ટ થયું હતું. હકિકતમાં લિસ્ટિંગ સેરેમનીના અવસર પર સંબોધન કરતી વખતે તે અચાનક ભાવુક થઈ ગયા હતા અને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખોમાંથી આંસુ લુછતા જોવા મળ્યા હતા.

આંખોમાંથી આંસુ લુછતા તેમણે ભાવુક થવાનું કારણ પણ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે, જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તેની એક પંક્તિ ભારત ભાગ્ય વિધાતા સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જાય છે. આજે મારી સાથે પણ એવું જ થયું છે. ભારત ભાગ્ય વિધાતા શબ્દ કેમ જાણે મારા જીવન સાથે એવી રીતે જોડાયો છે કે મારી આંખમાં આંસુ આવી જાય છે.

યુટયુબ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર લોકોએ પેટીએમના નીચા લિસ્ટિંગ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ આ અંગે કહ્યું હવે રોકાણકારો રડી રહ્યાં છે.

રોકાણકારોની ચિંતામાં વધારો

ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ચલાવતી ફિનટેક સ્ટાર્ટઅપ One97 કોમ્યુનિકેશનના IPO હેઠળ ગુરુવારે શેરનું નિરાશાજનક લિસ્ટિંગ થયું. Paytmના શેર BSE પર 1950 પર લિસ્ટ થયા હતા અને બપોરે 12 વાગ્યા સુધીમાં તૂટીને 1658 પર પહોંચી ગયા હતા.

BSE પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર પેટીએમનો શેર 1,950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 190 રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો.

2010માં થઈ હતી Paytmની સ્થાપના

નોંધનીય છે કે વિજય એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. તેમણે વર્ષ 2010માં મોબાઈલ રિચાર્જ તરીકે Paytmની સ્થાપના કરી હતી. હવે આ પ્લેટફોર્મ ખૂબ મોટું થઈ ગયું છે અને તેનો 18,300 કરોડનો ઈતિહાસનો સૌથી મોટો IPO સાબિત થયો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી