અમેરિકાની હિંસામાં ચાર લોકોના મોત, વડાપ્રધાન મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં હોબાળાના સમાચારથી હેરાન છું, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ  કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. 

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વોશિંગ્ટન ડીસીમાં તોફાનો અને હિંસા અંગે જાણકારી મળ્યા બાદ ખુબ ચિંતિત છું. સત્તાનું હસ્તાંતરણ ક્રમબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ. ગેરકાયદેસર વિરોધ માધ્યમથી લોકતાંત્રિક પ્રક્રિયાને પ્રભાવિત થવા દેવાય નહીં.

જણાવી દઇએ, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનને 306 ઈલેક્ટોરલ કોલેજ મત અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 232 મત મળ્યા હતા. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી અને સતત આરોપ લગાવતા રહે છે કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલી થઈ છે. જે અંગે અનેક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કેસ પણ કરાયા. પરંતુ મોટાભાગના કેસ કોર્ટે ફગાવી દીધા. હવે ટ્રમ્પ સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા છે. 

 22 ,  1