September 19, 2021
September 19, 2021

મહિલા ‘સશક્તિકરણ’ ખરૂ પણ અવળા માર્ગે…

દારૂના ધંધા બાદ હવે નાર્કોટિક્સમાં પણ મહિલાઓનો દબદબો

અમદાવાદમાં ડ્રગ્સના ગોરખ ધંધાની કમાન ‘માફિયા ક્વીન’ના હાથમાં..

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ગેરકાયદે દારૂના ધંધામાં મહિલાઓની સંડોવણી કોઇ નવી વાત નથી, પરંતુ જે ગંભીર મામલે ઓછામાં ઓછા 10 વર્ષની સજાની જોગવાઇ છે, તેવા નાર્કોટિક્સના ગેરકાયદે ધંધામાં પણ મહિલાઓની સંડોવણી નોંધપાત્ર રીતે બહાર આવી છે. અને તેઓ માફિયા ક્વીન તરીકે ઓળખાઇ રહી છે.

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો ગંદો ધંધો કોઈ પુરુષો નહીં પણ ચાર માફિયા ક્વીન સંભાળી રહી છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા ડ્રગ્સના ગોરખ ધંધાની કમાન બાપુનગરની ડ્રગ્સ ક્વીન્સ સિતારા, માજો, પમ્મો અને શરિફાના હાથમાં છે અને તેમની ગેંગમાં કામ કરતા 60 જેટલા બચ્ચા પાર્ટી સભ્યો જેમની મોટાભાગે ઉંમર 9થી 15 વર્ષની છે તેઓ શહેરભરના નશાખોરોને ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરે છે.

પોલીસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ 35થી 52 વર્ષની ઉંમરની આ ચાર મહિલાઓ શહેરમાં સૌથી વધુ ઉપયોગ થતા એમડી ડ્રગ્સ અને સ્લીપિંગ ડ્રગ્સ જેનો ઉપયોગ ઇન્સોમેનિયા જેવી બીમારીમાં થાય છે તેનો વેપલો કરે છે. આ મામલે જાણકારી રાખતા સૂત્રોએ કહ્યું કે આ દરેક ડ્રગ માફિયા ક્વીન દૈનિક 100થી 150 જેટલી ડિલિવરી આખા શહેરમાં પૂરી પાડે છે અને આ દરમિયાન 150થી 200 ડ્રગ્સના નાના નાના પેકેટ નશાખોરો સુધી પહોંચાડવામાં આવે છે.

શહેરમાં ગેરકાયદે ડ્રગ રેકેટના ગોરખ ધંધા મામલે તપાસકર્તા દરેક પોલીસના મોઢે આ ચાર મહિલાનું નામ છે. આ દરેક મહિલા સામે ડઝનથી વધુ પ્રોહિબિશન અને એક્સટોર્શનના કેસ છે. તેમજ ડ્રગ પેડલિંગના પણ અનેક કેસ છે જોકે આ તમામ કેસમાં ડ્રગ્સની માત્રા એટલી નાની હોય છે કે કાયદાકીય રીતે આ આરોપીઓને બચવાની છટકબારી મળી જાય છે અને પોલીસ માટે કાર્ય વધુ અઘરું થઈ જાય છે.

અમદાવાદમાં ડ્રગના ગોરખધંધાની મોડસ ઓપરન્ડી એ જ રહી છે કે ડ્રગનું કન્સાઇન્મેન્ટ 2થી 5 ગ્રામ જેટલું જ રાખવામાં આવે છે તેમજ આ ડ્રગ્સને નાના બાળકો મોટાભાગે 15 વર્ષથી નીચેની ઉંમરના લોકો દ્વારા ડિલિવર કરવામાં આવે છે. જેથી કાયદાકીય રીતે પોલીસ આ લોકો પર ખૂબ કડક કાર્યવાહી પણ કરી શકતી નથી.

અમદાવાદ શહેર ઝોન-5ના ડે. કમિશનર અચલ ત્યાગીએ કહ્યું કે ‘અમે ડ્રગ્સના ગોરખધંધાને તોડી પાડવા માટે આ ચાર મહિલાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે પરંતુ મોટાભાગે પકડાયેલા પેડલર સગીર વયના હોય છે અને તેમની માસે એટલી નાની માત્રામાં ડ્રગ્સ હોય છે કે તેને મુદ્દામાલ તરીકે દર્શાવી નથી શકાતો તેમજ FSL લેબોરેટરીમાં ટેસ્ટ માટે પણ નથી મોકલી શકતો. અમે તેમના મોટા જથ્થાને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.’

પોલીસ અને આ ગોરખ ધંધાની અંદરની જાણકારી રાખનારાઓએ કહે છે કે આ ચારેય મહિલા માફિયા મિત્રો નહીં પણ એકબીજાના દુશ્મન છે અને ઘણીવાર તેમની વચ્ચે પોતાના વિસ્તારને લઈને ઝગડા થાય છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં દારુનો ધંધો વિકસાવ્યા બાદ આ ચારેય મહિલાએ ડ્રગનો ધંધો શરું કર્યો હતો. દરેક સામે અનેક કેસ હોવા છતાં બિન્દાસ્ત પણે ડ્રગના ધંધાનું રેકેટ ચલાવી રહી છે.

પોલીસ વિભાગના સુત્રોએ કહ્યું કે તેમની મોડસ ઓપરેન્ડી ખૂબ જ સિમ્પલ છે. આ તમામ મહિલા માફિયા મિડલ એજ ગ્રુપની છે અને તેઓ પહેલા પોતાના પરિવાર અને આડશોપાડોશના સગીર છોકરાઓને આકર્ષ છે અને ભોળવીને તેમને ડ્રગ્સના રવાડે ચડાવે છે પછી ડ્રગ મફતમાં આપવાના નામે તેમની પાસે ડ્રગ્સની ડિલિવરી કરાવે છે.

 25 ,  1