અમદાવાદ : સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને મહિલા વકીલ સાથે 3 લાખની ઠગાઇ

રાજકીય વગ હોવાથી કોલ લેટર આવી ગયો છે તેમ કહી ઠગોએ પૈસા માગ્યા હતા

કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

શહેરના કૃષ્ણનગર વિસ્તારની મહિલા વકીલ પાસેથી સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ત્રણ લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઠગ ટોળકીએ અમારી રાજકીય વગ તેમજ સારી ઓળખાણ છે એમ કહી મહિલા વકીલ સાથે વિશ્વાસ આપી કોલ લેટર આવી ગયો છે તેમ કહી છેતરપિંડી આચરી હતી.

ડભોઈમાં રહેતી યોગેશ્વરી ગાંગુરડએ રિયા, અશ્વિન શાહ, કિશન યાદવ, રવિ પટેલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યોગેશ્વરી હાલમાં વડોદરા ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરે છે. બે વર્ષ પહેલાં યુવતી મોડાસા ખાતે કોર્ટમાં વકીલાતનું કામકાજ કરતી હતી ત્યારે કોર્ટની બાજુમાં આવેલ ૧૮૧ અભયમની ઓફિસમાં કામ રહેતું હતું, જેથી તે અવારનવાર ત્યાં જતી હતી. તે સમયે નવા નરોડા ખાતે રહેતા રવિ પટેલ સાથે યુવતીને ઓળખાણ થઇ હતી. આ દરમિયાન યુવતીને ચેરિટી કમિશનરની પરીક્ષા આપવાની હતી, જેની તૈયારી કરતી હતી. આ વાતની જાણ રવિને થઇ હતી. રવિએ યુવતીને કહ્યું કે મારો એક મિત્ર કિશન યાદવ છે, જે સારી રાજકીય વગ ધરાવે છે અને સચિવાલયમાં તેની સારી ઓળખાણ છે. તેથી અમે તને નોકરીનું સેટિંગ કરી આપીશું.

ત્યારબાદ રવિએ યુવતીને કિશન યાદવ સાથે તેની ઓફિસમાં મુલાકાત કરાવી હતી. કિશન યાદવે યુવતી પાસે તેના તમામ ડોક્યુમેન્ટ માગ્યા હતા અને કહ્યું કે આઠ લાખ રૂપિયાનો ખર્ચ થશે. કિશને આમ કહેતાં યુવતી પૈસા આપવા તૈયાર થઇ ગઈ હતી. યુવતીએ નક્કી કર્યા મુજબ એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. થોડા દિવસ બાદ કિશને યુવતીને કહ્યું કે તમારો કોલ લેટર આવી ગયો છે, જેથી બાકી રૂપિયા લેતાં આવો. કિશને આમ કહેતાં યુવતીએ તેને કહ્યું કે હાલ મારી પાસે આટલા બધા પૈસા નથી, જેથી યુવતીએ બીજા બે લાખ રૂપિયા કિશન યાદવને આપ્યા હતા. કિશને યુવતીને કહ્યું કે ગાંધીનગરમાં મહેસૂલ અધિકારી મૂકેશ પટેલને મળવા જવાનું છે. તમને ત્યાંથી ઓર્ડર મળી જશે એમ કહી વિશ્વાસ અપાવ્યો હતો.

યુવતીને સચિવાલય લઇ ગયા બાદ કિશને ત્યાં બેસાડી રાખી હતી. થોડી વાર બાદ મૂકેશભાઈ મિટિંગ છે, હું તમને તમારા ઘરે કોલ લેટર મોકલી આપીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવતીએ કિશનને કોલ લેટર બાબતે અવારનવાર ફોન કર્યા, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. યુવતીએ કિશન યાદવ, રવિ પટેલ પાસે આપેલા ત્રણ લાખ રૂપિયા પરત માગ્યા તો તમામે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા. યુવતીએ પોતાની સાથે ઠગાઈ થઇ હોવાથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 50 ,  1