ફ્રી કોરોના વેક્સીન પર બોલ્યા મોદી સરકારના મંત્રી – દેશના દરેક નાગરિકને રસી મફતમાં મળશે

‘બિહાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોના રસી મફતમાં મળશે…’

કોરોના મહામારી વચ્ચે દેશમાં બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો હવે રાજકીય મુદ્દો બની ગયો છે. ઘણા વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રતાપ સારંગી કહે છે કે માત્ર બિહાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોના રસી મફતમાં મળશે.

ઓરિસ્સાના બાલાસોરમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું છે કે દરેકને કોરોના રસી મફતમાં મળશે, એક વ્યક્તિને કોરોનાની રસી પૂરી પાડવા માટેનો ખર્ચ પાંચસો રૂપિયા થશે. બાલાસોરમાં પેટા-ચૂંટણીઓ યોજાવાની છે અને પ્રતાપ સારંગી ત્યાં પ્રચાર માટે ગયા હતા.

બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ. 

બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.

 આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં કોરોના રસી અંગે ચર્ચા કરી હતી. પીએમ એ કહ્યું હતું કે ભારતના વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે અને પરિણામ ટૂંક સમયમાં જ આપણા હકમાં હશે.

જોકે વર્તમાન સમયની વાસ્તવિકતા એ છે કે દેશમાં કોરોના વેક્સીન ટ્રાયલ હેઠળ છે અને લાંબા સમયમાં તૈયાર થાય એવા સંકેત મળી રહ્યા છે. પરંતુ રાજ્યોમાં આવેલી વિધાનસભા ચૂંટણીએ કોરોના વેક્સીનને ચૂંટણી મુદ્દો બનાવી લીધો છે. 

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર