આજથી સંસદનું ચોમાસુ સત્ર, 17 બિલ પાસ કરાવવા પક્ષ અને વિપક્ષ વચ્ચે રહેશે રાજકીય જંગ

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, રસીકરણની ધીમી ગતિ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે

ભારતીય લોકતંત્રના મંદિર એવા સંસદમાં આજથી ચોમાસુ સત્રની શરૂઆત થશે. સરકારે ચોમાસુ સત્રમાં કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી કરી છે. બીજી બાજુ વિપક્ષ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, ,ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી, કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની નબળી કામગીરી, રસીકરણની ધીમી ગતિ, ફ્રાન્સમાં રાફેલ સોદાની તપાસ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે.

લોકસભા દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો પ્રમાણે 17મી લોકસભાનું છઠ્ઠું સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકારી કામકાજની જરૂરિયાતો પ્રમાણે 13 ઓગસ્ટે સત્ર સમાપ્ત થઈ શકે છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર દરેક મુદ્દાઓ પર સ્વસ્થ અને અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું કહ્યું હતું. બીજીબાજુ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગૃહમાં સરકારના કામકાજ અંગે રણનીતિ તૈયાર કરવા પણ બેઠક યોજાઈ હતી.

રાજ્યસભાની પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 19 જુલાઈનાં રોજ સંસદની બેઠક બોલાવવામાં આવી છે કે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે.

 222 ,  3