ગાંધીનગર : ધણપ નજીક ગમખ્વાર અકસ્માત, બેફામ કાર ચાલકે ટક્કર મારતા બાઇકસવાર બે યુવકોના મોત

ગિયોડ-હાલિસાના દેવીપૂજક સમાજના બે જુવાનજોધ દીકરાના મોત, પરિવારમાં માતમ છવાયો

ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીક ધણપ પાટીયા પાસે બેફામ કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બંન્ને યુવકો બાઇક પર કોલેજથી પરત આવી રહ્યા હતા. તે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ મામલે ચિલોડા પોલીસે કાર ચાલાક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો પ્રમાણે ગાંધીનગર તાલુકાના ગીયોડ ખાતે રહેતો 18 વર્ષીય રાહુલ વિજયભાઈ દંતાણી તથા હાલીસાનો ધવલ જયંતિભાઈ દંતાણી ગાંધીનગર ખાતે કોલેજ કરતા હતા.

સોમવારે બપોરના સમયે તેઓ બાઈક પર ઘર તરફ આવતા હતા ત્યારે ધણપ પાટીયા પાસે કાર ચાલકે બાઈકને અટફેટે લીધું હતું. જેમાં બાઈક દશેલા ગામથી ગિયોડ તરફ આવતા રોડ ક્રોસ કરતાં સમયે ચિલોડા તરફથી આવતી MH-02-AQ-9323 નંબરની કારની ટક્કર વાગી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બાઈક ચલાવી રહેલો રાહુલ અને ધવલ બંને ગાડીના કાચ પર પરથી પાછળ તરફ ફંગોળાયા હતા. જેમાં બંને મિત્રોને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દોડી આવેલા લોકોએ જાણ કરતાં 108ની ગાડી આવી ગઈ હતી. જેના સ્ટાફે રાહુલને મૃત જાહેર કર્યો હતો જ્યારે ગંભીર રીતે ઘાયલ ધવલને ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.

ઘટના બાદ મૃતક રાહુલના કાકા રમેશભાઈ દંતાણીની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે એસેન્ટ કારના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધ્યો હતો. ખેતી કામ કરતાં રાહુલભાઈ દંતાણીને ત્રણ પુત્રો હતા જેમાં રાહુલ સૌથી મોટો હતો.તેથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર