September 20, 2021
September 20, 2021

ગાંધીનગર મનપા ચૂંટણી, 11 મંત્રીઓને સોંપાઈ જવાબદારી

અમિત શાહના મત વિસ્તારમાં આવતી કોર્પોરેશનમાં કાચુ ન કપાય તે માટે ભાજપ સતર્ક

અમિત શાહ ગાંધીનગરથી લોકસભાના સાંસદ બન્યા બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી છે. ગાંધીનગર ચૂંટણી ભાજપ માટે મોટો પડકાર સાબિત થવાની છે નક્કી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે હજી એકપણ વખત સીધી રીતે બહુમતી મેળવી નથી. ગાંધીનગર મનપામાં સત્તા સુધી પહોંચવા માટે ભાજપે તોડજોડની નીતિ અપનાવવી પડી છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિસ્તારમાંથી અમિત શાહ સૌથી વધુ લીડથી ચૂંટાયા છે આવી સ્થિતિમાં તેમના લોકસભા અંતર્ગત અને રાજ્યના પાટનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની હાર થાય તો તે મોટા કલંક સમાન ગણી શકાય અને વિપક્ષ આ વાતનો ફાયદો આગામી વિધાનસભાની ચૂંટણી અને રાષ્ટ્રીય સ્તરે પણ અમિત શાહ સામે ઉઠાવી શકે છે.

અમિત શાહના લોકસભા વિસ્તારમાં ચૂંટણી હોવાથી પ્રદેશ ભાજપ કોઈ પણ રીતે કાચુ કપાય તેવું નથી ઈચ્છતી. પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ એકથી એક ધૂરંધરોને મેદાને ઉતાર્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાજપે ગાંધીનગર મનપાના 11 વોર્ડની જવાબદારી રાજ્ય સરકારના 11 મંત્રીઓને સોંપી છે. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સમગ્ર પાલિકામાં સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

3 ઓક્ટોબરે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાન યોજાશે. બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપની સાથે સરકારે પણ ચૂંટણી પ્રચાર અને સંકલન માટે મંત્રીઓની ટીમ ઉતારવાનો નિર્ણય કર્યો હતો. દરેક વોર્ડની એક મંત્રીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ ચૂંટણી દરમિયાન સરકારના મંત્રીઓ પ્રચાર અને અન્ય વ્યવસ્થાની કાર્યવાહી જોશે. આ ઉપરાંત ચૂંટણી સુધી દરેક મંત્રીઓને મહત્તમ દિવસ ગાંધીનગરમાં જ રહેવાનું રહેશે અને સંબંધિત વોર્ડના ચૂંટણી કાર્યાલય પર મુલાકાત કરીને સમગ્ર જવાબદારી જોવાની રહેશે.

 39 ,  1