ગાંધીનગર : સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિક – કોંગ્રેસ નેતાની ગોળી મારી હત્યા

દારૂની મહેફિલમાં ખેલાયો ખૂની ખેલ

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કોંગ્રેસ નેતા- પાર્ટી પ્લોટના માલિકની હત્યા કરી દેવામાં આવી છે. મૂળ ભાવનગરના અને જમીન લે-વેચ સાથે સંકળાયેલા માલિકની તેના જ મિત્રએ ગોળી મારીને હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. કોઈ બાબતે તકરાર થતા ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. 

સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં શુક્રવારે આઠ મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દરમિયાન ઝઘડો થતાં એક મિત્રે રિવોલ્વર વડે બીજા મિત્રને છાતીમાં ગોળી ધરબી દેતા મોત નીપજ્યું હતું. ફાયરિંગમાં મૃત્યુ પામનાર સામ્રાજ્ય પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણીયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ બે મિત્ર કારમાં મોડી રાત્રે ફરાર થઈ ગયા હતા. અન્ય મિત્રોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. આ પ્રકરણમાં તલવાર વડે પણ હુમલો કરાયો હતો, જેમાં ફરાર થયેલા બે મિત્રમાંથી એકને વાગી હોવાનું પોલીસે નિવેદન આપ્યું છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગઈ કાલે રાત્રે પ્રવિણભાઈ કલ્યાણભાઈ માણિયાનું સરગાસણના હડમતિયા પાસે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. જ્યાં પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ કલ્યાણ માણિયા સહિત જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્ર ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા.

આ દરમિયાન કોઇ બાબતે રકઝક થતા મામલો તંગ બન્યો હતો. અંદરો-અંદર મિત્રો બાખડ્યા હતા. એવામાં પ્રવીણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહે પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.જ્યાં તેમનું મોત થયું હતું.

ફાયરિંગ કર્યા પછી જયદીપસિંહ અને તરુણસિંહ ઝાલા કારમાં ભાગવા લાગ્યા હતા. એ વખતે સંતોષ ભરવાડે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જેથી જયદીપસિંહ અને તરુણસિંહે સંતોષને લાફા ઝીંકી દીધા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. એને કારણે સંતોષ ભરવાડને પણ ઇજા થઇ હતી.

પ્રવીણભાઇને આશકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ છાતીમાં ગોળી વાગી હોવાથી તેમનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું તેમજ સંતોષની પણ ત્યાં સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સેકટર – 7 પીઆઈ ડીએસ ચૌધરી, ઈન્ફોસિટી પીઆઈ પીપી વાઘેલા, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચપી ઝાલા, જેએચ સિંધવ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી હતી.

પોલીસે દારૂની મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે સેક્ટર 7 પીઆઈ ડીએસ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધરાજ ઝેડ પ્લસમાં રહેતા 57 વર્ષીય પ્રવીણભાઈ માણિયા મૂળ ભાવનગરના છે તેમજ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે રાત્રે સામ્રાજ્ય પાર્ટી પ્લોટમાં 8 મિત્ર દારૂ પીવા બેઠા હતા. એ દરમિયાન બગોદરા તારાપુરના જયદીપસિંહ ગોહિલ તેમજ મૂળ સુરેન્દ્રનગરના તરુણસિંહ ઝાલા સાથેની માથાકૂટ દરમિયાન જયદીપસિંહે લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને પ્રવીણભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી