વડોદરાથી ચોરી કરવાં અમદાવાદ આવતી ગેંગનો પર્દાફાશ

મણિનગર પોલીસે બે ચોરોને ઝડપી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ શહેરમાં રાત્રી દરમિયાન ચોરી કરતા આવતા બે આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી છે. આ ચોરીમાં વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સાથે જ શહેરમાં વધુ એક ચોરીને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી છે.

મણિનગર પોલીસની કસ્ટડીમાં રહેલા ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારી છે. જે બને મૂળ વડોદરાનાં વતની છે પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ગત 24 મીની રાત્રે શહેરના ખોખરા વિસ્તારમાથી એક ગાડીની ચોરી કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ માટે રેકી કર્યા બાદ મણિનગરનાં એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ ઘડિયાળો અને સોનાનાં દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. સાથે જ ઘરમાં રહેલી ફરિયાદીની ગાડી ચોરી કરી અગાઉ ચોરેલી ગાડીને બિનવારસી છોડી ફરાર થયા હતા. પરંતુ ચોરી કરેલી ગાડી સાથે ફરી અન્ય કોઈ જગ્યાએ ચોરી કરે તે પહેલાં મણીનગર પોલીસે આરોપીને ઝડપી પાડયા છે, આ વાતની માહિતી ખુદ મણિનગર પોલીસસ્ટેશનનાં પીઆઇ ભરત ગોયલે આપી છે.

ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રાજુ પંજાબીનું નામ સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપયા ત્યારે રાજુ પણ તેમની સાથે હતો. જોકે પોલીસ સાથે થયેલી ઝપાઝપી બાદ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મોટાભાગનો મુદ્દામાલ આરોપી રાજુએ વડોદરાનાં એક સોની વેપારીને વેચ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે વડોદરામાં દરગાહ પાસે છૂટક મજૂરી કરતા હતા તે સમયે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ગુનાને અંજામ આપવની શરૂઆત કરી હતી.

આરોપીઓએ ત્રણ ગુનાની કબુલાત તો કરી પણ અન્ય કેટલા ગુના આચર્યા તેની પણ તપાસ શરૂ કરાઇ છે. સાથે જ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી