રાજકોટ : સ્પામાં તોડ કરવા ગયેલા 6 પત્રકારોને ગાંઘીગ્રામ પોલીસે ઝડપી લીધા

 સ્પાના કર્મીઓ પર ચેઈન ચોરીનો ખોટો આક્ષેપ લગાવી માંગ્યા દોઢ લાખ

રાજકોટ શહેરમાં નકલી પત્રકાર બની પત્રકારના નામે તોડ કરી સ્પા સંચાલકને ધમકી આપનાર 6 નકલી પત્રકારોની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. સ્પા કરાવ્યા બાદ રૂપિયા ન આપી સામે રૂપિયા પડાવવા કાવતરું રચી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાનું કહી આરોપીઓએ સ્પા સંચાલકને ધમકી આપ્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નકલી પત્રકારોએ સોનાના ચેઇનની ચોરીનું કાવતરૂ ઘડી સ્પા સંચાલક પાસે દોઢ લાખ રૂપિયાની માગણી કરી હતી.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા અરીવા વેલનેસ સ્પા એન્ડ હેલ્થ કેરમાં જયરાજ તેમજ રવિ નામના વ્યક્તિ સ્પા કરાવવા માટે ગયા હતા. સ્પા સંચાલક દ્વારા જયરાજને રૂમ નંબર-1માં અને રવિને રૂમ નંબર 5માં સ્પા કરાવવા માટે મોકલ્યો હતો. ગાંધીગ્રામ પોલીસને આપેલી ફરિયાદ મુજબ સંચાલક સંજયભાઈ ટીકારામભાઈ સોની નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, રૂમ નંબર-1માં સ્પા માટે સોનલને મોકલી હતી. જ્યારે કે રૂમ નંબર 5માં સ્પા માટે પ્રિયાને મોકલી આપી હતી.

સ્પા પૂર્ણ થયા બાદ બંને યુવાનો કાઉન્ટર પર આવ્યા હતા. ત્યાર બાદ જયરાજે કહ્યું હતું કે, હું સ્પા કરાવતો હતો તે સમયે મારો ચેઈન ચોરી થઈ ગઈ છે. જે બાબતે હું મારા હાઉસ સ્કિપર સાથે તેને લઈ રૂમમાં પણ ગયો હતો. પરંતુ કોઈ પણ પ્રકારનો ચેઈન મળ્યો ન હતો. બાદ રવિ અને જયરાજ અમારા સ્પામાંથી જતા રહ્યા હતાં. ત્યાર બાદ તેઓ કેટલાક મીડિયાના માણસો સાથે અમારા સ્પામાં પરત આવ્યા હતા. જે બાદમાં તેઓએ વીડિયો શૂટ પણ કર્યું હતું. તેમજ અમોને કહ્યું હતું કે, તમારું સ્પા કાયદેસર ચાલે છે કે ગેરકાયદે.

સાથે જ આ લોકોએ એવું કહ્યું હતું કે, તમારી પાસે સ્પા ચલાવવા માટેના પૂરતા પ્રમાણમાં કાગળિયા છે કે કેમ? ત્યારબાદ તેઓએ થોડા સમય બાદ પોતાનો કેમેરો બંધ કરી મને કહ્યું હતું કે આ બધું પતાવું હોય તો દોઢ લાખ રૂપિયા થશે. ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે આટલી રકમ નથી. પરંતુ હું તમને પચાસ ટકા રકમ આપી શકું તેમ છું. આ માટે તમારે મને દસ દિવસનો સમય આપવો પડશે. આ સમયે આ કામના આરોપીઓ એ મને કહ્યું હતું કે, રકમ તો તમારે અત્યારે જ આપવી પડશે નહીં તો અમે તમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશું અને તમને ખોટા કેસમાં ફીટ કરી દેશું. આ સમયગાળા દરમિયાન મારા હાઉસકિપિંગના માણસે ગાંધીગ્રામ પોલીસમાં ફોન કર્યો હતો. જેથી સમયસર ગાંધીગ્રામ પોલીસ આવી જતા તમામ આરોપીઓ રંગેહાથે ઝડપાયા હતા.

આરોપીઓનો કોરોના ટેસ્ટ નેગીટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ અગાઉ કેટલી કેટલી જગ્યાએ લોકો પાસેથી બળજબરીપૂર્વક નાણા પડાવ્યા છે તે અંગેની તમામ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે લોકોને અપીલ છે કે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ મીડિયાના નામે કે અન્ય સંસ્થાના નામે બળજબરીપૂર્વક નાણા પડાવવાની કોશિશ કરે તો તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસનો સંપર્ક સાધવો.

 67 ,  1