જનરલ ડાયર હજુ મર્યો નથી..! વેમ્બલી સ્ટેડિયમમાં દર્શન આપ્યા…!

ગોરા અંગ્રેજોની નવી પેઢીએ જે કર્યું તે માફીને પાત્ર નથી..

ફૂટબોલમાં જીતનાર દેશના દર્શકો સાથે આવું વર્તન..?

શાલીનતા, સજ્જનતા, વિન્રમતા એ બધુ ક્યાં ગયું…?

ભારતે 200 વર્ષ ગોરાઓનો આવો અત્યાચાર સહન કર્યો છે..

જનરલ ડાયરની જેમ ગોરાઓની નવી પેઢીએ કર્યું..

ભારતમાં ફૂટબોલ લોકપ્રિય નથી કારણ કે…

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

આપણાં દેશમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. બે ખેલાડીઓ રમે અને બીજી હરિફ ટીમના 11 ખેલાડીઓ તેમને વારાફરતી આઉટ કરવાના પ્રયાસો કરે…ભારતમાં ક્રિકેટની ભેટ અંગ્રેજોએ આપી છે. ભારત પર 200 વર્ષ રાજ કરનાર અંગ્રેજો એટલે કે બ્રિટીશ હકૂમત હેઠળ ભારતમાં અત્યાચાર ગુજારતા અંગ્રેજ અધિકારીઓએ પોતાના મનોરંજન માટે ક્રિકેટની રમત શરૂ કરી અને પછી ફિલ્મ લગાનમાં ભુવનની જેમ લાખો ભારતીયો ક્રિકેટ રમતા શીખી ગયા….! પણ દુનિયા આખીમાં શાલીનતા, સજ્જનતા, વિન્રમતા, વાણી વર્તનમાં વિનયથી ભરપૂર એવી અંગ્રેજ પ્રજાની વર્તમાન પેઢીએ ફૂટબોલની રમતમાં ઇટાલીની ટીમ જીત્યા બાદ હાર નહીં પચતા જે કર્યું તે બ્રિટીશ સંસ્કૃતિ પર એક કલંક સમાન છે. અને સારૂ થયું. કેમ કે દુનિયાને જાણ થઇ કે આ ગોરા અંગ્રેજોની સહન કરવાની માનસિક્તા કેવી છે…!1

ભારતમાં ફૂટબોલની રમત લોકપ્રિય નથી. કેમ કે એમાં દોડવાનું છે અને દોડતાં દોડતા ચપળતા બતાવવાની છે. એટલે ફૂટબોલને બદલે ઉભા ઉભા રમવાની ક્રિકેટની રમત સૌથી વધારે સાનૂકુળ અને અનુકૂળ પડે છે..! એક ચોગ્ગો મારીને પછી ખાલી ખાલી દોડવાનું અને એકાદ રન લઇને ઉભા રહી જવાનું. મૂળે દોડવામાં ભારતને આળસ આવે છે. આ તો વર્ષો પહેલાં મિલ્ખાસિંગમાં કોઇ એવુ કૌવત હશે કે દોડવામાં અનેક મેડલો જીત્યા. તે પછી દોડવામાં પીટી ઉષા અને તે પછી ગુજરાતની સરિતા ગાયકવાડે 400 મીટર હર્ડલ દોડમાં નામ મેળવ્યું.

ફૂટબોલની રમત વિદેશમાં ક્રિકેટના કુંભ મેળા સમાન હોય છે. લંડનમાં યુરો ફાઇનલની મેચ ઇટાલી અને ઇંગ્લેંડ એટલે કે બ્રિટીશરો વચ્ચે યોજાઇ ત્યારે ભારતમાં કેટલા દર્શકો ટીવીની સામે આતુરતાપૂર્વક મેચ નિહાળતા હશે એ તો ટીઆરપીવાળા જ કહી શકે. વાળાથી યાદ આવ્યું વજુભાઇ વાળા કર્ણાટક રાજભવનથી પાછા રાજકોટ ભેગા થઇ….સોરી આવી ગયા છે અને નાટકો , ડાયરોની મોજ માણશે…! વજુભાઇને નાટકો અને ડાયરા ગમે તેમ અંગ્રેજોને ફૂટબોલ ગમે અને તેથી ફાઇનલ મેચમાં જ્યારે ઇટાલી જીત્યું અને જાહેરાત થઇ કે ધી કપ ગોન ટુ રોમ…ત્યારે હોમ એટલે કે ઇંગ્લેન્ડમાં યજમાન લંડન શહેરમાં બ્રિટીશરોની વર્તમાન પેઢીએ જે જંગલિયાતભર્યુ અને અમાનવીય ગેરવર્તન કર્યું તે જોઇને દુનિયાને ભલે શરમ આવી હશે પણ ભારતને કદાજ કોઇ નવાઇ નહીં લાગી હોય…!

સ્ટેડિયમમાં ઇટાલીના દર્શકોને વીણી વીણીને મારવામાં આવ્યાં…! લાતોથી ધોઇ નાંખ્યા,! ઇટાલીનો રાષ્ટ્ર ધ્વજ સળગાવવામાં આવ્યો..પગ નીચે કચડવામાં આવ્યો..તેના પર થૂંક્યા આ કહેવાતા સાલિનતાના રખેવાળ અંગ્રેજો….! તેમનું અમાનવીય ગેરવર્તન અને હિંસાના બનાવો જોઇને મહારાણી એલિઝાબેથ-બીજીએ માફી માંગવી જોઇએ

હાર-જીત તો રમતમાં અને જીવનમાં થતી જ હોય છે. પણ હારને પચાવવી અને જીતને મર્યાદામાં રાખવી એ ખૂબ કપરૂ કામ છે. ભારતને ગુલામ બનાવનારાઓ હજુ શું એમ માને છે કે ઇટાલીમાં તેમનું રાજ ચાલે છે..? બ્રિટીશ હકૂમત વખતે ભારતીયો સાથે વર્ષોના વર્ષો સુધી જે અમાનવીય ગેરવર્તન અને હિંસા આચરવાની સાથે કેટલાયને ફાંસીના માંચડે ચઢાવી દીધા, કેટલાયને ગોળીએ દીધા અને જલિયાવાલા બાગમાં નિર્દોષ ભારતીયોને ચારેતરફથી ઘેરીને ગોળીઓનો વરસાજ વરસાવનાર જનરલ ડાયરનો આત્મા નવી પેઢીના અંગ્રેજ ફૂટબોલ ચાહકોમાં પ્રવેશ્યો હોય અને ઇટાલીના દર્શકો પર હુમલાઓ કરીને પૂરવાર કર્યું કે બ્રિટનની ધરતી પર જનરલ ડાયર હજુ જીવે છે…હમ નહીં સુધરેંગે…!!

ઇટાલીના દર્શકો સાથે જે ગેરવર્તન લંડનમાં વેમ્બલી સ્ટેડિયમમાં અંગ્રેજ પ્રજાએ કર્યું એવુ ભારતે 200 વર્ષ… સહન કર્યું છે. રખે કોઇ અંગ્રેજોને સારા માનતા. આજે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવિત હોય તો તેમને પૂછી શકાય કે ગોરા અંગ્રેજો કેટલા ક્રૂર અને ઘાતકી હતા.આંદામાનમાં કાળા પાણીની સજા માટે બનાવેલી સેલ્યુલર જેલની મુલાકાત લેવાય તો ખબર પડે કે ભારતના આઝાદીના દિવાના..મતવાલા એવા સ્વાતંત્રસેનાનીઓ પર કેવા કેવા અત્યાચારો ગુજારવામાં આવતા હતા…!

બ્રિટનના વર્તમાન વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના દેશમાં મહેમાન ટીમની સાથે આવેલા ઇટાલીના દર્શકો સાથે થયેલા હિંસાના બનાવોને વખોડી તો કાઢ્યા છે પણ તેથી શું…? જેમને સ્ટેડિયમમાં ઘોર અપમાનિત કરવામાં આવ્યાં..લાતો મારવામાં આવી…વિજેતા દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હોય તેને કઇ રીતે માફ કરી શકાય..? અમારી સામે કેમ જીત્યા…કેમ હારી ના ગયા અમારી સામે…એવા ભાવ ગોરા અંગ્રેજોની નવી પેઢીના લોકોના ચહેરા પર એ વખતે જોવા મળતો હતો જ્યારે તેઓ લાતોથી મુક્કાથી ઇટાલીના દર્શકોની પિટાઇ કરતાં હતા..!

ઇટાલીને ગોરા અંગ્રેજોની માનસિકતાની ખબર હશે કે કેમ એ તો તેઓ જાણે પણ ભારત બરાબર જાણે છે. ભારતે 200 વર્ષ તેમની વિકૃત અને હિંસાની માનસિક્તા જોઇ છે, અનુભવ કર્યો છે અને એમાંથી પસાર થયા છીએ….ઇટાલીના નિર્દોષ દર્શકોની પિટાઇ કરનારાઓના પૂર્વજોએ ભારતમાં આ જ ધંધો કર્યો હતો…એટલે ભારતને નવાઇ ન લાગે તે સ્વાભાવિક છે પણ ઇટાલી માટે નવુ નવુ અને ફૂટબોલ મેચનું આયોજન કરનારાઓ માટે આઘાતજનક હશે.

બનાવ નાનો નથી. તેમનું ગેરવર્તન નાનું નથી. તેમને માફ કરી શકાય તેમ નથી. ફૂટબોલની રમતમાં ખેલદીલી હોવી જોઇએ. સામેવાળા આપણાં કરતાં શૂરવીર હતા એટલે જીત્યા. આપણાંમાં શું કચાશ રહી ગઇ તેનું આત્મચંતન કરવુ જોઇએ. હાં, ઇટાલીની ટીમને ખોટી રીતે વિજેતા જાહેર કરવામાં આવી હોય તો ગોરા અંગ્રેજોનો ગુસ્સો વાજબી કહી શકાય. પણ ઇટલી પોતાના દમ પર જીત્યું ત્યારે ગોરાઓનું આવુ વર્તન માફીને પાત્ર નથી.હે ઇશ્વર..ઇટાલીના દર્શકો સાથે ગેરવર્તન અને હિંસા આચરનારાઓને માફ ન કરતાં…કેમ કે તેઓ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યાં છે…ઓહ ગોડ ડોન્ટ ફરગીવ ધેમ…! ડોન્ટ…!જનરલ ડાયર હજુ મર્યો નથી…!

 81 ,  1