ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું લાંબી માંદગી બાદ દુઃખદ નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 64 વર્ષની ઉંમરે રવિવારે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સરની બિમારી સામે લડી રહ્યા હતા. તેમની સ્થિતી સતત નાજુક હતી. મનોહર પર્રિકર એડવાન્સ પૈંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં બિમારીનું નિદાન થયું હતું. તેમની ગોવા, મુંબઇ, દિલ્હી અને ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આખરે 17 માર્ચે કેન્સર સામે તેઓએ હથિયાર હેઠા મુક્યા હતા.

ગંભીર બિમારીનાં કારણે તેમની તબીયતમાં સતત ઉતાર ચઢાવ હતો પરંતુ તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરનાં કામ પ્રત્યેનાં જોશ અને કાર્યનિષ્ઠાનાં હંમેશા વખાણ થતા રહ્યા.

પર્રિકર 64ની ઉંમરે પણ સ્ફુર્તિથી કામ કરતા હતા
પર્રિકર શાલિન, સરળ સ્વભાવનાં નેતા હતા. કેન્સર જેવી ગંભીર બિમારી સામે લડત હોવા છતા પણ પર્રિકરના નાકમાં ડ્રિપ લગાવેલી હોય તેવી સ્થિતીમાં તેઓ ઓફીસ જતા હતા. અનેક નેતાઓ સાથે બેઠક કરતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પર્રિકરની પત્ની પણ કેન્સરથી પીડિત હતા. તેમનું પણ નિધન કેન્સરનાં કારણે જ થયું હતું.

પર્રિકરની બહાદુરી અને જોશ અને કાર્યનિષ્ઠાનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે જાન્યુઆરીમાં બિમાર સ્થિતીમાં તેમને રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. આ દરમિયાન તેમના નાકમાં ટ્યુબ હતી. બજેટ રજુ કરવા દરમિયાન તેમણે ભાવુક નિવેદન આપતા કહ્યું હતું કે, આજે ફરી એકવાર વચન આપુ છું કે હું મારા અંતિમ શ્વાસ સુધી ઇમાનદારી, નિષ્ઠા અને ઇમાન અને સમર્પણ સાથે ગોવાની સેવા કરીશ. તેમણે જે જોશ સાથે જનતાની સેવા કરવાનું વચન આપ્યું હતું તે તેમણે અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું હતું. મનોહર પર્રિકરે 14 માર્ચ 2017માં ગોવાના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. તે અગાઉ પણ તેઓ 2000થી 2005 દરમિયાન અને ત્યાર બાદ 2012થી 2014 સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યા..

 75 ,  3