September 20, 2021
September 20, 2021

વિધર્મી SRP જવાને વડોદરાની પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ

SRP જવાને કહ્યું – તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા

સોશિયલ મીડિયામાં પરિણીતાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી બાદમાં તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. વિધર્મી યુવાને હિંદુની ઓળખ આપી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. યુવાન જામનગર એસ.આર.પી ગ્રૂપ 17 માં ફરજ બજાવે છે. પરિવારજનોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતા મહિલાએ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકારતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તે વખતે તેણે હિન્દુ તરીકે ઓળખાણ આપી જણાવ્યું કે, તે હિન્દુ છે અને તેનું નામ અનિલ પરમાર છે.

એજાઝે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર સંબંધ બાંધ્યો હતો. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા સાથે જબરજસ્તીથી સંબંધ બાંધ્યો હતો.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. તેણે જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું તેવો મહિલાને ભરોસો આપ્યો હતો.

મહિલાએ પોલીસ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે સુરત એજાઝના ઘેર ગઇ ત્યારે તેને એજાઝ અને તેના પરિવારે જણાવ્યું હતું કે, તારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે અને બુરખો પહેરી કુરાનના કલમા પઢવા પડશે. તારે ઘરમાં રહેવું હોય તો માતાજી કે ભગવાનનું નામ લેવાનું નહીં, ફક્ત અલ્લાહનું નામ લેવાનું. એજાઝ અને તેના પરિવારે તેને પોલીસની ઓળખ આપી માર માર્યો હતો. એજાઝે મહિલાને જણાવ્યું હતું કે, તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઇલ કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી.

પોલીસ સુત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે  મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. એટલે લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ બનાવની તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 82 ,  1