September 20, 2021
September 20, 2021

ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્યૂઝ : ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે આખરી ટેસ્ટ રમાશે

ભારતીય ક્રિકેટરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ

ક્રિકેટના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાની ખુબ નજીક સંપર્ક ધરાવતા આસીસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમારનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવતા ભારે ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટમાં સંકટના વાદળો ઘેરાયા હતા. જોકે, હવે પાંચમી અને આખરી ટેસ્ટ અંતે આજે રમાશે. અગાઉ ભારતીય કેમ્પમાં કોરોના વધતાં પાંચમી અને આખરી તેમજ નિર્ણાયક ટેસ્ટ મેચ ન રમાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, ભારતના તમામ ક્રિકેટરોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં બીસીસીઆઇએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતીય ક્રિકેટરોનો રિપોર્ટ નેગેટિવ આવતા જ ઈંગ્લેન્ડ સામે આજે શરૂ થઈ રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ મેચના આયોજન અંગેના વિઘ્ન દૂર થઈ ગયા છે અને ટેસ્ટ તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધશે.

અલબત્ત, ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે (ઈસીબી)આ અંગે મોડી રાત સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત ન કરતાં ભારતીય ક્રિકેટ વર્તુળોને તો ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધશે તે નક્કી જ લાગતું હતુ. ઈસીબીના મૌનને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં અનિશ્ચિતતા પણ પ્રવર્તતી જોવા મળી હતી.

ટેસ્ટ મેચ અંગે મોડી રાત સુધી ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ વચ્ચે વાટાઘાટોનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવાની સાથે આગળની વ્યુહરચના અંગે ચર્ચા થઈ હતી. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે.

નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ હાલ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે અને જો આખરી ટેસ્ટ ન રમાય તો તેઓ શ્રેણી હારી જાય તેમ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈંગ્લેન્ડ બોર્ડે બીસીસીઆઇએ જણાવ્યું હતુ કે, તમારા કેમ્પમાં કોરોનાના કેસો હોવાથી તમે આખરી ટેસ્ટ ફોરફિટ કરી દો. એટલે શ્રેણી ૨-૨થી ડ્રો થઈ જાય. જોકે બીસીસીઆઇએ આ માગનો સ્વીકાર કર્યો નહતો. ભારતીય ક્રિકેટરોએ તો ટેસ્ટ મેચ રમવાની તૈયારી બતાવી હતી.

 24 ,  1