September 21, 2020
September 21, 2020

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું..! છોટા શકીલ ગેંગના શાર્પશૂટરની અમદાવાદમાંથી ધરપકડ

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલો શાર્પશૂટર ઝડપાયો, અન્ય એક ફરાર

BJP નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા છોટા શકીલ ગેંગના શાર્પશૂટરની ATS અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ પહેલા શાર્પશૂટરે ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પશૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું. ATSની ટીમે એક શાર્પશૂટરને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક બીજો ફરાર છે.

2002માં ગુજરાતના રમખાણો વખત ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા આ શાર્પશૂટરના નિશાના પર હતા. સાથે ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. 

ATSના હાથે ઝડાપાયેલા આરોપીનું નામ ઇરફાન શેખ છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આ શાર્પ શૂટર મુંબઈનો રહેવાસી છે. તેના તાર દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ સાથે જોડાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે, ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે શાર્પશૂટર કમલમ પર પણ પહોંચ્યો હતો.  ગોરધન ઝડફિયા રોજ કમલમ પર આવતા હતા. તેથી શાર્પશૂટરે અહી આવીને તેઓની રેકી કરી હોવાની માહિતી બહાર આવી છે.

ગોરધન ઝડફિયાને ભૂતકાળમાં ઝેડ કક્ષાની સુરક્ષા હતી. જોકે, બાદમાં તેમની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હતી. હાલ તેઓને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શાર્પ શૂટરની ધરપકડ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાબડતોડ તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.

સમગ્ર ઘટના પર ખુદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નજર રાખી રહ્યા છે. આરોપી જ્યાંતી પકડાયો છે તે હોટલ વિનસ કારંજ પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી છે. આ શાર્પ શૂટર પોતાનું નામ બદલીને રોકાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેનું નામ ઇરફાન હોવાની ચર્ચા છે જ્યારે તે ચૌહાણના નામે હોટલમાં રોકાયો હોવાનો હોટલ સંચાલકોએ દાવો કર્યો છે.

ઝડપાયેલા શાર્પ શૂટર પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. આ ધરપકડ બાદ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર