મહેસાણાના આસજોલ પાસે દોઢ વર્ષની દીકરી સાથે પિતાએ કેનાલમાં લગાવી મોતની છલાંગ

ખેડૂતે કેનાલમાં કૂદી બાળકીને બચાવી લીધી, યુવકની શોધખોળ જારી

મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવલી અસજોલની કેનાલમાં એક પિતાએ પુત્રી સાથે છલાંગ લગાવી હતી. જોકે એ જ સમયે ત્યાંથી સાઇકલ પર પસાર થતાં આધેડ ખેડૂતની નજર કેનાલમાં કૂદતા યુવક પર પડી હતી. ખેડૂત ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર તેમને બચાવવા કેનાલમાં કૂદ્યા હતા. જોકે બાળકી હાથમાં આવી જતા ખેડૂત બાળકીને હેમખેમ બહાર લાવ્યા હતા અને હોસ્પિટલ લઇ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં બેચરાજી પોલીસ, NDRF ટીમ સહિત તંત્ર પહોંચ્યુ હતું અને કેનાલમાં કૂદનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.


આસજોલ ગામ પાસે પહેલા પુલની બાજુમાં પુલ પરથી યુવાને બાળકી સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. ત્યાર બાદ કેનાલ પાસે આવેલ ખેતરમાંથી ગામના ખેડૂત પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન કેનાલમાં કોઈ પડ્યું હોય એવું લાગતા ખેડૂતે કેનાલમાં બાળકીને જોતાની સાથે કેનાલમાં કૂદી બાળકીને બચાવી લીધી હતી. તેમજ ગામમાં સમાચાર ફેલાવાની સાથે જ ગામના સરપંચ સહિત ગામ લોકો કેનાલ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ દોઢ વર્ષની બાળકીને બહાર નીકળ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેમજ તેના પિતાની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 72 ,  1