કિસાન આંદોલન હજુ ચાલે છે..? હેં..ના હોય..? ખરેખર…?

શિખો પોતાનુ અપમાન 300 વર્ષ સુધી ભૂલતા નથી….

રાજ્યપાલ મલિકે સરકારને બે હાથ જોડીને કરી વિનંતી-ખાલી હાથ મત જાને દો..

મલિકે ઇન્દિરા ગાંધીની હત્યાનો દાખલો આપીને સૌને ચોંકાવ્યાં…

ઓપરેશન બ્લ્યૂસ્ટાર ઇન્દિરાની જેમ લશ્કરી વડા અરૂણ વૈદ્યને પણ ભારે પડ્યું હતું..

કોંગ્રેસના નેતા લલિત માકનની હત્યા પણ તે પછી થઇ…

મલિકનો ઉપાય- એમએસપીનો કાયદો બનાવીને કિસાનોને કંઇક તો આપો…

કિસાનો પણ ઇચ્છતા હશે કે તેમની એકાદ માંગણી સંતોષાય તો ઘરવાપસી થાય…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

એક મહિના પહેલા કિસાન આંદોલનના સમાચારો રોજે રોજ ટીવી મિડિયામાં આવતા હતા. પ્રિન્ટ મિડિયા દ્વારા તેની નોંધ લેવાતી હતી અને કિસાન આંદોલનના નેતાઓના નિવેદનોને અખબારોમાં જગ્યા મળતી હતી. આજે ઘણાંને એમ લાગતુ હશે કે દિલ્હીની બહાર ગાઝીપુર બોર્ડર, સિંઘુ બોર્ડર અને ટીકરી બોર્ડર (જી.એસ.ટી. બોર્ડરો) પર મામલો પૂરો થઇ ગયો. પણ શું એવુ છે ખરૂ..?

કિસાન આંદોલનના નેતાઓમાં રાકેશ ટિકૈત અને બીજા હવે જ્યાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ છે ત્યાં પહોંચીને ભાજપને હરાવવા રેલીઓ યોજી રહ્યાં છે. ટીવી મિડિયામાં ભલે કિસાન આંદોલનનું કવરેજ નહીં કે બરાબર હોય પણ આંદોલન પર બેઠેલા કિસાનોએ હવે ધરણાં-પ્રદર્શનના સ્થળોઓએ પાકા મકાનો બનાવવા માંડ્યા છે…!! અધૂરામાં પૂરૂ હોય તેમ હવે દિલ્હીની બહાર નોઇડા બોર્ડર પર ધરણાં આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. કિસાન આંદોલનમાં શિખો પણ છે. અને શિખ ધર્મના યુધ્ધ ઇતિહાસને ધ્યાનમાં રાખીને ભાજપના પૂર્વ નેતા તથા હાલમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે સરકારને ચેતવણી આપી છે કે મહેરબાની કરીને કિસાનોને ખાલી હાથે પાછા ન મોકલો, શિખો પોતાની સાથેના અન્યાય અને અપમાનને 300 વર્ષ સુધી ભૂલતા નથી…!! તેમણે પોતાની વાતમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો દાખલો પણ આપ્યો….

સત્યપાલ મલિક આ પહેલા જમ્મુ-કાશ્મિરના રાજ્યપાલપદે હતા. અને ત્યાંથી મેઘાલયની હસીન વાદિયોંના રાજ્યપાલપદે છે. તેઓ મૂળ જાટ છે અને યુપીમાં પોતાના વતનમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં તેમણે મંચ પરથી કહ્યું કે મેં તો સરકારમાં બેઠેલા ઘણાંને સમજાવ્યાં. અને તેમને કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવ અંગેનો કાયદો બનાવીને સરકાર કિસાનોને કંઇક રાહત આપે. તેમને ખાલી હાથે અપમાનિત કરીને પાછા ન મોકલે. ઇતિહાસ છે કે શિખો 300 વર્ષ સુધી તેને એટલે કે તેમને અપમાનિત કરનારાઓને ભૂલતા નથી. ભાજપના પૂર્વ નેતા મલિકે સરકારને ચેતવી કે ધમકી આપી પણ તેમની એક વાત તો સાચી જ છે કે શિખોએ પોતાનું અકાલ તખ્ત તોડનાર અને ગુરૂદ્વારામાં લશ્કરને મોકલનાર તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને છોડ્યા નહોતા અને તેમના શિખ અંગરક્ષકોએ 31 ઓક્ટોબર 1984ના રોજ તેમને ગોળીઓ મારીને હત્યા કરી નાંખી હતી તે ઇતિહાસ કાંઇ પ્રાચીન નથી..

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ઓપરેશન બ્લ્યૂ સ્ટારની લશ્કરી કાર્યવાહીની આગેવાની લેનાર સૈન્ય અધિકારી અરૂણકુમાર શ્રીધર વૈદ્યની 31 ઓગસ્ટ 1986માં પૂણેમાં ખાલિસ્તાની સંગઠન સાથે સંકળાયેલા શિખ આતંકીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંઘીની જેમ તેમને પણ આઇબી તંત્ર દ્વારા વારંવાર ચેતવવામાં આવ્યાં હતા. ઇન્દિરા ગાંઘીની હત્યા બાદ દિલ્હીમાં ફાટી નિકળેલા શિખવિરોધી રમખાણોમાં સક્રિય ભાગ લેનાર કોંગ્રેસના નેતા લલિત માકનની પણ આ જ રીતે હત્યા થઇ હતી. સજ્જનકુમારને જન્મટીપ થઇ છે. કોંગ્રેસના ગાંઘી પરિવારે શિખ સમુદાયની માફી માંગી તે પછી જ શિખ સમાજ કોંગ્રેસ પ્રત્યે નરમ છે અને પંજાબમાં શિખ કોંગ્રેસી કેપ્ટન અમરિન્દરસિંહની સરકાર છે.

રાજ્યપાલ મલિકે જાહેરમાં 300 વર્ષનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે ઇન્દિરા ગાંઘીને યાદ કરીને કહ્યું કે ઓપરેશન બ્લ્યૂ સ્ટાર પછી ઇન્દિરાએ દિલ્હી નજીકના એક ફાર્મ હાઉસમાં સળંગ એક મહિના મહામૃત્યંજંયના જાપ કરાવ્યા હતા. મલિકના કહેવા પ્રમાણે ઇન્દિરાએ તેમની નજીકના એક મિત્રને કહ્યું હતું કે આ લોકો(શિખો) મને છોડશે નહીં. કેમ કે મેં તેમનું અકાલ તખત તોડી નાંખ્યું છે.. અને થયુ પણ એવુ જ.

મલિકની વાત કેન્દ્ર સરકાર માનશે કે નહીં અને કોઇપણ સંજોગોમાં ત્રણ કૃષિ કાયદા પાછા નહીં લેવાય એવું વલણ ચાલુ રાખશે તો પણ આંદોલનની એક મર્યાદા હોય છે. કોઇપણ આંદોલન કાંઇ વર્ષોના વર્ષો ચાલતુ નથી. ટિકૈતના શબ્દોમાં કહીએ તો આંદોલન ચલાવવાની તેમની તૈયારી 2024 સુધીની છે….જ્યારે 2024માં લોકસભાની ચૂંટણીઓ યોજાયશે અને તેમાં કિસાનો શું કરશે એ કહેવાનું તેમણે ટાળીને કહ્યું કે પરિવર્તન.

26 નવેમ્બર,2020ના રોજ કિસાન આંદોલન શરૂ થયા બાદ ધીમે ધીમે જોર પકડતાં કેટલાક ટીવી મિડિયાએ શિખોની હાજરીને લઇને તેમને ખાલિસ્તાની કહ્યાં છે. પાકિસ્તાની કહ્યાં છે. કિસાનોના મનમાં એ બધુ ભરેલુ પડ્યું જ હશે. અને તે એક પ્રકારનું અપમાંન જ છે એમ, જે તે વખતે શિખ સમુદાયના કિસાનો પ્રતિભાવમાં કહેતા હતા. ટિકૈતે કિસાનોની માંગણીઓ નહીં માનનારને હરાવવા લોકશાહી ઢબે રસ્તે અપનાવ્યો અને બંગાળની ચૂંટણીઓમાં જઇને ભાજપને હરાવવા મહાપંચાયત યોજી છે. યુપીમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કિસાન નેતાઓ મહાપંચાયતોના નામે સરકારને હરાવવાનો પાયો બનાવી રહ્યાં છે. લોકશાહીનો માર્ગ અપનાવીને વિરોધ કરવામાં આવે તો તે આવકાર્ય કહી શકાય. પણ બલમા સિપઇયા… હાય રે તેરી દંબૂક સે ડર લાગે….વાળો કોઇ રસ્તો અપનાવે તો…? સત્યપાલ મલિકના મનમાં જે ડર છે તે કદાજ આ જ હશે. કે શિખો 300 વર્ષ સુધી અપમાન ભૂલતા નથી. ઉપાય…?

ઉપાયમાં એ જ કે મલિકે જે રસ્તો બતાવ્યો તે મુજબ એમએસપી-મીનીમમ સપોર્ટીગ પ્રાઇઝ ગુજરાતીમાં બોલે તો ટેકાના ભાવ અંગેનો કાયદો બનાવીને કિસાનોનો ટેકો મેળવે તો ન તુમ હારે ન હમ જીતે….બન્ને તરફ વીન…વીન..ની સ્થિતિ બને તો દિલ્હીની બોર્ડરો પરથી કિસાનો પોતાના ખેતરે જઇ શકશે ખેતી કરતાં કરતાં દો બીઘા જમીન..નું પેલુ ગીત ગુનગુના રહે હોંગે- ધરતી કહે પુકાર કે….બીજ ઉગાલે પ્યાર કે …મૌસમ બીતા જાય….મૌસમ બીતા જાય…..!!

-દિનેશ રાજપૂત

 69 ,  2