થરાદમાં ફાઇનાન્સ પેઢીની દાદાગીરી..! લોનધારકને જાહેરમાં ફટકાર્યો

બાઇકનો એક જ હપ્તો ન ભરતા ઢોર માર માર્યો

બનાસકાંઠાના થરાદમાં ફાઇનાન્સના સંચાલકોની દાદાગીરીનો વિડિયો સામે આવ્યો છે. બાઇકનો એક હપ્તો બાકી હોવાથી ફાઇનાન્સના સંચાલકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. અને બેરહેમીથી જાહેરમાં યુવકની પિટાઇ કરી લોહીલુહાણ કરી દીધા હતા. આ અંગે થરાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો વાવ તાલુકાના આકોલીના વસ્તાભાઇ ભુરાભાઇ દેસાઇએ થરાદમાં આવેલી લક્ષ્મી ફાઇનાન્સમાંથી મોટર સાયકલ ઉપર લોન લીધી હતી. લોન લીધા બાદ તેમની આર્થિક પરિસ્થિતિ કથળતા મોટર સાયકલનો એક હપ્તો ચઢી ગયો હતો. આ દરમિયાન વસ્તાભાઈ થરાદમાં આવેલી ગઢવી હૉસ્પિટલ પાસે ઊભા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ આવી લક્ષ્મી ફાઇનાન્સના હપ્તા કેમ ભરતો નથી તેમ કહી બોલાચાલી કરી હતી.

આ દરમિયાન ફાઇનાન્સ સંચાલકોએ વસ્તાભાઇને પકડી રાખી માર મારવાનું શરૂ કરી દીધુ હતું. વીડિયો જોઇ શકાય છે કે, હપ્તાની માંગણી કરતા શખ્સો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં માથામાં પંચ મારી યુવકને ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ છેે. ઝઘડા દરમિયાન આજુબાજુના લોકોએ મારામારીની ઘટનાને મોબાઇલને ઉતારી લીધી હતી. જે બાદમાં ઇજાગ્રસ્ત થયેલા વસતાભાઈએ લક્ષ્મી ફાઇનાન્સ તરફથી આવેલા હુમલાખોરો અને સંચાલકો સામે  ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 79 ,  1