અમદાવાદમાં રથયાત્રા અંગે કેબિનેટમાં મળી લીલીઝંડી

ટૂંક સમયમાં થશે 144મી રથયાત્રાની સત્તાવાર જાહેરાત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાને લઇને અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રાની મંજૂરીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતી મંજૂરી આપવાની રાજ્ય સરકારે તૈયારી દર્શાવી છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભક્તોથી લઇને સૌ કોઇમાં એવી આશ હતી કે શું ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે કે નહીં ત્યારે આખરે રૂપાણી સરકારે રથયાત્રા મામલે આજે સૌથી મહત્વનો નિર્ણય કરી શકે છે. રૂપાણી સરકાર ભક્તોની આસ્થાને ધ્યાને રાખી કોરોના ગાઇડલાઇન પ્રમાણે રથયાત્રા નીકાળવાની પરવાનગી આપી શકે છે.

રથયાત્રા કેવી રીતે યોજી શકાય અને કોરોનાકાળમાં કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તે અંગે ગૃહમંત્રી સત્તાવાર જાહેરાત કરશે. આ સાથે જ સરકાર દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે, જગન્નાથ મંદિર ટ્રસ્ટ નહીં પરંતુ સરકાર નક્કી કરશે એ રીતે રથયાત્રા નિકળશે. તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રા કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે. સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે. રથયાત્રાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રીની બેઠક થયાં બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે આગામી 12 જુલાઇના રોજ સોમવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકાર શરતોને આધીન રથયાત્રા માટે મંજૂરી આપી શકે છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર પણ જાહેરાત થશે. મહત્વનું છે કે, આજે રથયાત્રાના આયોજન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ.

 58 ,  1