જીત બાદ બોલ્યા CM રૂપાણી – ‘કોંગ્રેસ ખલાસ થઈ ગઈ, 2022ની ચૂંટણીનું ટ્રેલર છે’

કૉંગ્રેસનો સફાયો, ભાજપે તમામ આઠ બેઠક જીતી

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે આઠે આઠ બેઠક જીતી લીધી છે અને કૉંગ્રેસનો સફાયો થયો છે. પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. દિવાળી પહેલા ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. પેટાચૂંટણીમાં બાજપ મહાબલી સાબિત થયુ છે. તો ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો છે. મતદારોએ ભાજપને મોટી દિવાળી ગિફ્ટ આપી છે. પેટાચૂંટણીમાં ભાજપનો ઢોલ વાગ્યો છે તેવો મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે જણાવી દીધું છે. 

સીઆર પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદની આ તેઓની પ્રથમ ચૂંટણી છે. ત્યારે તેમના માટે આ જીત બહુ જ મહત્વની બની રહી છે. કમલમ ખાતે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, અને ઢોલનગારાના તાલે જશ્ન મનાવી રહ્યા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ખુશીમાં સામેલ થવા પહોંચી ગયા હતા. તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્ટીના પ્રમુખનું મોઢું મીઠું કરાવ્યું હતું. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા. 

વિજય બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં મતગણતરી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. સમગ્ર જગ્યાએ એનડીએ આગળ છે. સર્વત્ર ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં આઠેય આઠ બેઠક પર ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર તેમના કરેલા કામો એક મજબૂત નેતૃત્વ ભાજપ પાસે જ છે, જેમાં લોકોએ ભરોસો રાખ્યો છે. મતદારો અને ગુજરાતની જનતાનો આ વિજય છે. ગુજરાતમાં પણ ભાજપ સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે લોકોએ પ્રતિસાદ આપ્યો છે. કચ્છની દક્ષિણ ગુજરાતની આદિવાસીની સીટો સૌરાષ્ટ્રની સીટો હતી.

સીએમએ જણાવ્યું હતું કે, દરેક સમાજમાં કેટલાક મુસ્લિમ વિસ્તાર હતો, આદિવાસી પ્રભાવિત વિસ્તાર હતો, ત્યાં પણ અમને મત મલ્યા છે. ડાંગના ઈતિહાસમાં પહેલીવાર આટલી સરસાઈ મળી છે. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. આ ચૂંટણી 2022ની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂટણી, 2022ની ચૂંટણીમાં દિશાનિર્દેશન કરનારું આ પરિણામ છે. ભાજપે કોંગ્રેસની કમર પર છેલ્લો ખીલો ઠોક્યો છે. 

વધુમાં કહ્યું હતું કે, પ્રજાની અપેક્ષાઓ ક્યાંય ઓછી ન થાય તેની અમે ચિંતા કરીશું. કોરોનાકાળમાં આ ચૂંટણી યોજાઈ તેમાં લોકોએ અનેક વાતો કરી. પરંતુ મતદાન પણ ભારે થયું અને લીડ પણ સારી મળી. આ વિજય જનતાનો વિજય છે. તેમની લાગણી અને ઈચ્છાઓને પૂરી કરીશું તેની ખાતરી આપીએ છીએ. હવે ભાજપના 111 ધારાસભ્ય બન્યા છે. એક મજબૂત સરકાર તરીકે અને વિશેષ આગળ વધીશું.

જીત બાદ પાટીલે કહ્યું- 2022માં કાર્યકર્તાના દમ પર લડશે ભાજપ

કમલમ ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉજવણીમાં સામેલ થયા હતા. દરમિયાન પાટીલે કહ્યું હતું કે, 2022માં કાર્યકર્તાના દમ પર ભાજપ લડશે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર