આજ ગા લો મુસ્કારા લો..મહેફિલે સજા લો..રાજીનામા નક્કી જ છે..

નવા સુકાની પદે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા..

ભાજપનો ધૂંઆધાર પ્રચાર અને પંજામાં હજુ હારતોરા..

મતદારનો સવાલ-કોંગ્રેસી ધારાસભ્યો વફાદાર રહેશે..?

ગુજરાતમાં પરિણામ નક્કી જ છે..-કેસરિયા બાલમ..

પરિણામ બાદ આયેગી આવાજ- યે લિજિયે રાજીનામે.

ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓને હજુ લગભગ એકાદ વર્ષની વાર છે. ડિસે.2017માં ચૂંટણીઓ યોજાઇ હતી અને હવે ડિસે. 2022માં ચૂંટણીઓ યોજાશે. પરંતુ રાજકારણ ચૂંટણીના સમયપત્રક પ્રમાણે નહીં પરંતુ રાજકિય સમયના સમયપત્રક પ્રમાણે યોજાતી હોય તો ઇસ મેં આખિર બુરા હી ક્યા હૈ..એટલે જાણે કે ગુજરાતની ચૂંટણીઓ યુપી-પંજાબની સાથે યોજાવાની રાજકિય ગણતરી ચાલી રહી હોય તેમ સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોગ્રેસમાં ધમ..ધમ..ધમાચકડી મચી છે.

ભાજપે તો લગભગ 6 મહિના પહેલાથી એટલે બીજી લહેર પછી તરત જ તડામાર રાજકિય કાર્યક્રમો શરૂ કર્યા અને એ એજન્ડા કે મિશન ગુજરાતના ભાગરૂપે સીએમ રૂપાણી અને તેમની આખી સરકાર પૂર્વ બની ગઇ. નવી ટીમ..નવુ લોહી..નવો જોશ…કોરી સ્લેટ અને આશિર્વાદ જનયાત્રા ફરી વળી આખા ગુજરાતમાં…

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચા પીને અને પીવડાવીને..વડા ખાઇને અને ખવડાવીને…પણ પાર્ટીના મીત ના બની શક્યા અને પરેશ ધાનાણી સિંહ સાથે સેલ્ફી અને સાપ પકડવામાં અમરેલીમાં જ રહી ગયા…પ્રદેશ સ્તરે બન્ને કાઠુ કાઢવામાં ઉણા ઉતર્યા અને ઉતરી ગયા…! નવી જવાબદારી જગદીશ ઠાકોર(જ.ઠા.) ને અને સુખરામ રાઠવા(સુ.રા.)ને શિરે મૂકવામાં આવી. જ.ઠા. પ્રદેશ પ્રમુખ અને સુ.રા. વિપક્ષના નેતાપદે-એલઓપી..તેમની સત્તાવાર જાહેરાત પહેલા સિનિયર આગેવાન અને શ્રમિક નેતા દિપકભાઇ બાબરિયાનું નામ ચમક્યુ પણ મધ્યપ્રદેશના પ્રભારી રહીને મધ્યપ્રદેશમાં પંજાને સત્તા અપાવનાર બાબરિઆની જાણે કે પાર્ટીમાં રાબેતા મુજબ કદર ના થઇ. અને જ.ઠા.-સુ.રા.ની જોડી ચમ..ચમ..કરતી ગોઠવાઇ ગઇ.

નવી નિમણૂંકના હાર-તોરા થઇ ગયા અને ગુજરાતમાં કોંગ્રેસને 25 વર્ષ પછી ફરી એકવાર સત્તા અપાવવાની જાહેરાતો ભલે ગાજી ગાજીને કરી હોય કે હજુ કરશે પણ જગદીશ અને રાઠવાના નામની જાહેરાત સાથે જ નારાજગી બહાર આવી…ફલાણાં ગેરહાજર રહ્યાં,,ઓલાને નો ગમ્યુ…જગદીશ ભાજપ-સીઆર-બીઆર અને મોદી-શાહની સામે તો સાવ…બાળક કહેવાય…! તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે…? હો નહીં સકતા…યે હો નહીં સકતા..એવો ક્યાંક ક્યાંક ગણગણાટ..ક્યાંક ઉશ્કેરાટ અને ક્યાંક ધીમા અવાજે આહટ સંભળાઇ હશે તો એ વર્ષો જુની જૂથબંધીને કારણે હશે..જુથબંધી તેરા દુસરા નામ ગુજરાત કોંગ્રેસ હૈ…

જગદીશ ઠાકોર કોંગ્રેસમાં મૂળ તો માધવસિંહ સોલંકીનો વફાદાર. ઓબીસી નેતા તરીકે જગદીશને કોંગ્રેસમાં આગળ લાવ્યાં. બે વાર ધારાસભ્ય અને એકવાર સંસદસભ્ય બન્યા. 2016થી ભાઇ જગદીશ પક્ષથી અલિપ્ત રહ્યાં અને ચૂંટણી નહીં લડવાની શરતે કાંટાળો તાજ પહેર્યો કે પહેરાવવામાં આવ્યો..જગદીશ ઠાકોર સારા વકતા ખરા,. સારૂ બોલે..મોટેથી બોલે..સીધો પડકાર અને ઉંચો લલકાર..એ તેમની ફિતરત છે. વિધાનસભા ચૂંટણીમાં તેમણે લલકારી લલકારીને ગાજી ગાજીને બોલવુ જ પડશે ત્યારે 2017ની જેમ 77 તો નહીં પણ માંડ 20ની અંદર સંતોષ માનવો પડે તેમ કોઇ ગણતરી મૂકે છે….!

જગદીશ ઠાકોરને ખબર છે કે 2017ની ચૂંટણીમાં સામી છાવણીમાં રૂપાણી હતા આ વખતે સામી છાવણીમાં પટેલની સાથે પાટિલ છે. બે “પ” છે. અને બન્ને દ્વારા એવો તડામાર ધમધોકાર પ્રચાર છેક છેવાડાના ગામ સુધી ચાલી રહ્યો છે કે પંજાવાળા કોરોનાના ફોર્મ એકત્ર કરવામાં રહ્યાં અને ભાજપે “હર ઘર દસ્તક” કાર્યક્રમ દ્વારા રસી અને કાર્યકરોની ટીમં ઘર ઘર પહોંચતી કરીને અબ કી બાર ભાજપ સરકાર…નો પાયો મજબૂત કરી નાંખ્યો છે.. રાજકિય પંડિતો કહે છે કે ગુજરાતમાં ભાજપ કો હરાના મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ…ગુજરાત કોંગ્રેસમાં ભલે નવી જોડીએ બાગડોર સંભાળી હોય પણ તેમના ભાગે ગુજરાતમાં રાહુલ ગાંધી -પ્રિયંકા ગાંધી વાડેરાના ધૂંઆધાર પ્રચાર પ્રસાર..મંદિર..મંદિર…દર્શન..દર્શન..કરીને છેવટે વિધાનસભામાં વિપક્ષની પાટલીના જ દર્શન કરવા પડે તો ખેટુ ન લગાડશો..!!

જગદીશ અને રાઠવાની જોડી પોતાની નવી ટીમ સાથે પૂરી તૈયારી કરીને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરશે અને ધારો કે (અને ધારવામાં ક્યાં કાંઇ પૈસા લાગે છે..) ગઇ વખત જેટલી બેઠકો આવી તો પણ તેમના ચૂંટાયેલા નવા ધારાસભ્યો પાર્ટીને વફાદાર રહે તેની શું ખાતરી…? એવો સવાલ તો ગુજરાતમાં કોંગ્રેસનો મતદાર પૂછી શકે છે. કેમ..?

આ સવાલનો જવાબ કુંવરજી બાવળિયા-આશાબેન પટેલ-જવાહર ચાવડા( જે પોતે હવે નંદો બની ગયા..) ધવલસિંહ ઝાલા, નશાબંધીવાળો અલ્પેશ ઠાકોર વગેરે.પાસે છે. ભાજપે ભલે એમ કહ્યું હોય કે અમે કોઇ કોંગ્રેસવાળને લેવાના નથી પણ પરિણામ જ એવુ આવે તો…કમલમમાં ખેસ ધારણના ઘણાં કાર્યક્રમો કરવા જ પડે. કેમ કે ધ ઓલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા.. સબ સે બડી હૈ સત્તામૈયા….

જગદીશભાઇ અને સુખરામભાઇ, આજ ગા લો મુસ્કારા લો..મહેફિલે સજા લો…વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે પણ યોજાય તે પછી પંજા હાઇકમાન્ડને નૈતિક જવાબદારીના ભાગરૂપે આપવાના થશે એ રાજીનામાપત્રો અત્યારથી જ લખીને ખિસ્સામાં મેકી દેજો….!! અને એ વખતે અમિત ચાવડા અને પરેશ ધાનાણી દૂર ઉભા ઉભા મરક…મરક…મરક…મરક…આવ ભાઇ હરખા આપણે સૌઉ સરખા..

 62 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી