Farmers Bharat Band : ગુજરાત કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે

આવતીકાલે તમામ APMC બંધ કરાવશે ગુજરાત કોંગ્રેસ, ઘર્ષણ ન કરવા સૂચના

કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે આક્રમક બની રહ્યું છે. આવતીકાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે તો આજે પણ વિપક્ષ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ઠેર-ઠેર ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક સંગઠનો આ બંધમાં જોડાવાના છે.

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો છેલ્લા 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ કડીમાં કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિત 22 જેટલી રાજકીય પાર્ટીઓએ કિસાનોના ભારત બંધને સમર્થન આપ્યું છે. તો ગુજરાતમાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન, કોળી સમાજ સહિતે આ બંધને સમર્થન આપ્યું છે. તો ભારત બંધને લઈને ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બનાવી છે. 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આવતીકાલે દરેક જિલ્લામાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે કિસાનોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે ગુજરાત કોંગ્રેસ પણ બંધને સફળ બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારનું એપીએમસી બંધ કરાવવા સૂચના આપી છે. 

અમિત ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના જિલ્લામાં કિસાનોના સમર્થનમાં એપીએમસી બંધ કરાવવાની સૂચના આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું કે, ખેડૂતો અને  વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, 13 રાજ્યોના ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું અને સરકાર પણ ખેડૂતોને મનાવવા માટેના અથાગ પ્રયાસ કરી રહી છે ત્યારે દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતના ખેડૂતોના વિવિધ 17 જેટલા સગઠનો એક મંચ પર કૃષિ કાયદાનો આવતીકાલે વિરોધ કરવાના છે. જો કે, કેટલાક સંગઠનો એવા પણ છે જે ખેડૂતોના આંદોલનમાં જોડાવાના નથી અને કૃષિ કાયદાનો પ્રચાર કરવાના છે. 

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર