સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ બે દિવસના દુબઈ પ્રવાસે, રોકાણકારોને કરશે આકર્ષિત

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 પહેલાં દુબઇમાં રોડ-શૉ

રોકાણકારોને આકર્ષવા ઉદ્યોગપતિનો કાફલો પણ પહોંચ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દુબઇ જવા રવાના થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરની ૧૦મી એડીશનમાં યુ.એ.ઇ ના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રતિનિધિમંડળ દુબઇના દ્વિદિવસીય પ્રવાસે છે. મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે.

મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુ.એ.ઇ ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ શ્રી થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે.

મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે. આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

ભૂપેન્દ્ર પટેલ બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શૉ માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત શ્રી સંજય સુધિર વિશેષ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે તા. ૯મી ડિસેમ્બરે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેવાના છે. ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. ૯મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી