પોલીસ ટીકાનો ભોગ ન બને તે અંગે DGPએ બહાર પાડ્યો પરિપત્ર

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ટીકટોક વીડિયો બનાવતા પોલીસ કર્મચારીઓ ભારે વાયરલ થયા હતા. અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા પણ લેવાયા હતા. જોકે, આવા પ્રકારના વીડિયો ફરીથી ન બને અને પોલીસની ઇજ્જત ન જાય તે માટે ગુજરાત પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ કર્માચરીઓ જોગ પરિપત્ર બહાર પાડ્યો છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે તમામ પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક)ના નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો રહેશે. ખાસ કરીને એક પોલીસ અધિકારી તરીકે શોભે નહીં અથવા પોલીસ વિભાગ જેવું શિસ્તબદ્ધ ખાતું લોકોની ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર ન કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ખુબ જ સક્રિયા હોવાથી જાણવાલાયક ઘણી અગત્યની બાબતોની સાથે ઉપરોક્ત પ્રકારના વીડિયો પણ સોશિયલ મીડિયા મારફતે ખુબ જ ટૂંકા સમયમાં લોકો સુધી પહોંચતા હોય છે. જેના કારમએ દેશભરમાં શિસ્તબદ્ધ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ લોકોની ટીકાનો ભોગ બને છે. અને જેના કારણે સમાજમાં પોલીસની છબી ખરડાય છે.

પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ પોલીસ બેડાનો જ ભાગ હોવાની બાબત જણાવતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવા ટકોર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર કોઇ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તન ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના આપી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી