ચોમાસુ સત્રના પહેલા જ દિવસે નિતીન પટેલ રજૂ કરશે બજેટ

ગુજરાત સરકારનું 2019-20નું સામાન્ય અંદાજપત્ર (બજેટ) બીજી જુલાઇએ એટલે કે આવતીકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલ લેખાનુદાન પછી સંપૂર્ણ બજેટ રજૂ કરશે. તે ઉપરાંત આવતીકાલે જ ચોમાસુ સત્રનો પ્રારંભ થશે.

લોકસભા ચૂંટણીના કારણે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે લેખાનુદાન પસાર કર્યું હતું. જે જુલાઇ મહિના સુધીનું જ હતું. ત્યારે હવે જુલાઇ મહિનાથી આગામી માર્ચ સુધીનું પૂર્ણ બજેટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલે મંગળવારે રજૂ કરશે, જેમાં રાજ્ય સરકારની નવી યોજનાઓની સાથે જૂની જાહેરાતો માટેની ફાળવણીને લઇને પણ વાત થશે.

લેખાનુંદાન પછી રજૂ થનારા બજેટનું કદ બે લાખ કરોડ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સરકાર રાજ્યની સાડા છ કરોડની જનતા માટે બજેટમાં નવી યોજનાઓ જાહેર કરી શકે છે. એ સાથે જીએસટી સિવાયના કરવેરામાં સુધારા કરે તેવી સંભાવના છે.

રાજ્ય સરકાર માટે જીએસટીના કારણે કરની આવક ઘટી છે ત્યારે ઘટેલી આવકની વચ્ચે પુરાંતવાળુ બજેટ રજૂ કરવું રાજ્ય સરકાર માટે મહત્વનું બની જાય છે. તેવા સંજોગોમાં સૌની નજર એ વાત પર રહેશે કે પૂર્ણ બજેટમાં જનતા પર નવો વેરો નાંખ્યા વગર બજેટ રજૂ થાય છે કે પછી સરકાર આ વખતે કોઇ નવા વેરા વધારે છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી