વડોદરા: ગુજરાત સરકારે રૂ.2 કરોડની સહાયની જાહેરાત કરી, ગ્રામ્યને રૂ. 20 લાખની સહાય

વડોદરામાં આવેલી વરસાદી આફતના કારણે શહેરમાં જે પૂરનાં પાણી ભરાયાં છે તે બીજા દિવસે પણ હજુ યથાવત હતા. શહેરમાં અનેક જગ્યાએ હજુ કેડસમા પાણી છે તો કેટલીક જગ્યાએ ગોઠણડૂબ પાણી ભરાયેલાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વડોદરાની સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા મોડી સાંજે વડોદરા પહોંચી ગયા છે.

વડાપ્રધાનના કાર્યાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરી તમામ મદદની ખાતરી આપવામાં આવી છે તેમ આજે ગાંધીનગર ખાતે વડોદરામાં પૂરની સ્થિતિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું.

પરંતુ હાલમાં રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. વહીવટી તંત્ર ખડેપગે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

સમીક્ષા બેઠક બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે જણાવ્યું કે, “રાજ્ય સરકારે વડોદરાને બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે. કેશડોલ માટે એક કરોડ અને ઘરોમાં થયેલા નુકસાન માટે એક કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો વધુ જરૂર પડશે તો બીજા રૂપિયા પણ રાજ્ય સરકાર ફાળવશે. આજવા ડેમમાંથી પાણી છોડતા પહેલા તમામ નીચાણવાળા વિસ્તારોને જાણ કરવામાં આવી હતી.”

જયારે ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૨૦ લાખની ખાસ સહાય ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદોને અત્યારસુધીમાં ૧,૬૪,૦૦૦થી વધુ ફૂડ પેકટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી