September 26, 2022
September 26, 2022

ગુજરાતનો વિકાસ સમગ્ર દેશનો વિકાસ બને તે માટે પ્રજાએ પુન: સત્તા સોંપી છે : ગૃહ રાજ્યમંત્રી શ્રી

17મી લોકસભાની ચૂંટણીઓના પરિણામો આપણા સૌ માટે ઐતહાસિક છે કારણ કે, દેશના રાજકીય ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આ કે પેલા પક્ષના વિજયને બદલે આ ચૂંટણીમાં જનમતનો વિજય થયો છે. આ વિજય નવી સદીમાં ઉભરી રહેલા રાષ્ટ્રવાદનો વિજય હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં સરકારી સંકલ્પ રજૂ કરતા જણાવ્યું હતું.

તાજેતરમાં લોકસભા ચૂંટણીઓમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા પ્રચંડ જનાદેશને વધાવતા સરકારી સંકલ્પને રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની જનતાને લાગ્યું કે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તેવો વિકાસ સમગ્ર દેશમાં થવો જોઇએ અને તેથી જ સતત બીજીવાર આ વિચાર દેશની પ્રજાએ જનમતમાં પરિવર્તીત કરી નયા ભારતના નિર્માણ માટેનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. ૨૦૧૪ની જીત વોટ ઓફ હોપની હતી, જ્યારે ૨૦૧૯ની જીત વોટ ઓફ ટ્રસ્ટની જીત છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં નકારાત્મક રાજનીતિને તિલાંજલી આપવા દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને સબક શિખાવાડ્યો હોવાનું જણાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોંગ્રેસ માત્ર 52 બેઠકોમાં સમાઇ ગઇ. યુ.પી.એ. ફક્ત ૮૬ના આંકડામાં સીમિત થઇ ગઇ. ભારતીય જનતા પાર્ટીને ૨૨૪ જેટલી બેઠકો ઉપર ૫૦% કરતા વધારે મત મળ્યા. ૨૦૧૪માં ભા.જ.પ.ને ૩૧% મત મળ્યા જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૭.૪% મત મળ્યા એટલે કે મતમાં ૬.૪% નો વધારો થયો. ૧૭ રાજ્યોમાં ૫૦% થી વધુ મતો અને ૯ રાજ્યોમાંથી ૪૫ થી ૫૦% મત મળ્યા. લગભગ ૪ દાયકાના ગાળા પછી દેશને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર પ્રાપ્ત થઈ. .

દેશના ૧૭ રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ન ખોલાવી શકી. કોંગ્રેસના ૯ પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત તેના અનેક વરિષ્ટ નેતાઓની કારમી હાર થઈ. ૧૩ જેટલા રાજ્યોમાં કોંગ્રેસે માત્ર ને માત્ર એક એક બેઠક મેળવી સંતોષ માનવો પડ્યો. કોંગ્રેસ લોકસભામાં વિરોધપક્ષ સ્થાપિત કરવા જેટલી બેઠકો પણ ન મેળવી શક્યો. ૧૯૬૭ થી કોંગ્રેસ અમેઠીને રાજાશાહી પરિવારની પરંપરાગત બેઠક ગણતુ હતું પરંતુ આ ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને જ જનમતથી જાકારો આપ્યો તેટલું જ નહિ પણ ૪૫,૦૦૦ મતોથી હાર આપી. ગુજરાતની વાત કરીએ તો – મોદી સુનામીમાં કોંગ્રેસ પક્ષનો કચ્ચરઘાણ નીકળી ગયો. ૬૨% મત સાથે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાંથી ૧૭૩ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો.

અગાઉ સત્તામાં રહેલી કે‍ન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને સતત અન્યાય કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે ક્રુડ ઓઇલ રોયલ્ટી દર, સરદાર સરોવર યોજના, એઇમ્સ આપવા અંગે, અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેનને મંજૂરી, કેન્દ્રીય વેચાણ વેરામાં રાજ્યોને મળવાપાત્ર હિસ્સો આપવામાં વિલંબ આ અને આવા અનેક મુદ્દાઓ પર ગુજરાત અને દેશને અન્યાય થતો રહ્યો. ગુજરાત કોંગ્રેસ પણ મૂક પ્રેક્ષક બની રહી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ધુરા સંભાળતા જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વર્ષોથી અટવાતા અનેક પ્રશ્નોનો ઉકેલ આવ્યો.

આ સરકારી સંકલ્પમાં પોતાનો સુર પુરાવતા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જંગી બહુમતીથી જીત પ્રજાનો વિજય છે. આ અભિમાનની નહી ગૌરવની વાત છે. તેમણે પ્રદિપસિંહ જાડેજાને સંકલ્પ લાવવવા બદલ અભિનંદન આપતા કહ્યું કે દેશના સવાસો કરોડ નાગરિકોએ સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આપી છે. તે માત્રને માત્ર રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો વિજય છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ જે રાજ્યમાં જીત્યું ત્યા ઇ.વી.એમ.માં ખોટ ન દેખાઇ એટલું જ નહી રાહુલ ગાંધી, સોનીયા ગાંધી જીત્યા ત્યાં પણ આ જ ઇ.વી.એમ. હતા. તો શા માટે ઇ.વી.એમ.નો દોષ કાઢો છો. હાર સ્વીકારો એમા જ આપનું ભલું છે. તેમણે ઉમેર્યું કે પાંચ વર્ષના સુશાસનમાં સ્ટાર્ટઅપ ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડીયા, મેઈક ઇન ઇન્ડીયા જેવા સ્લોગનોના કારણે ભવ્ય વિજય થયો છે. એ માટે આપણને સૌને ગૌરવ હોવું અનિવાર્ય છે.

ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયાએ આ સરકારી સંકલ્પમાં ભાગ લેતા કહ્યું કે ગુજરાતના પનોતા પુત્ર એ દેશને પાંચ વર્ષમાં ઘણું બધું આપ્યું જેના પરિણામે સવાસો કરોડ દેશવાસીઓએ પુનઃ ભરોસો મુક્યો છે. જે માત્રને માત્ર વિકાસની રાજનીતિને આભારી છે. માન. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજના આપી ગરીબોની સેવા કરી છે.

ધારાસભ્યશ્રી સુરેશભાઇ પટેલે કહ્યું કે લોકશાહીના પર્વમાં આ જનમતનો વિજય છે. પ્રજામતનો વિજય છે. તેમણે ઉમેર્યું કે વિકાસની રાજનીતિની સામે નકારાત્મક વિચારસરણીની રાજનીતિને પ્રજાએ જાકારો આપીને નરેન્દ્રભાઇને સુકાન સોંપ્યું છે.
ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદીએ માન. નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા કહ્યું કે ભૂતકાળમાં ભાષાવાદ, અલગતાવાદ અને તૃષ્ટીકરણની રાજનીતિ થતી હતી. તેને પ્રજાએ જાકારો આપી વર્ષ-૨૦૧૪ માં પૂર્ણ બહુમતી વાળી સરકાર આપી અને પાંચ વર્ષમાં સુશાસનથી વિવિઘ યોજનાઓના લાભો નાગરીકોને આપ્યા ૫રીણામે પ્રજાએ પુન: સત્તા સોંપી છે.

આ સંકલ્પ વિઘાનસભા ગૃહમાં બહુમતીથી ૫સાર કરવામાં આવ્યો હતો.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી