ગુજરાત હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવા કર્યો ઇન્કાર

હાલના તબક્કે દંડની રકમમાં ઘટાડો કરવો વ્યાજબી નહીં – કોર્ટનું અવલોકન

રાજ્યમાં બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ હવે છેલ્લા કેટલાક સમયથી સંક્રમણ ઘટી રહ્યું છે. દૈનિક કેસ 100થી નીચે સામે નોંધાઇ રહ્યા છે. તેવામાં હવે માસ્કના દંડમાં ઘટાડો કરવાની માંગ ઉઠી છે. ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે દંડ ઘટાડવાનો ઇન્કાર કર્યો છે.

માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે. 

હાઈકોર્ટે કહ્યું, રાજ્યની ૫૦ ટકા જેટલી વસ્તી નું રસીકરણ થવા દો પછી દંડ ઘટાડવા માટે વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે.  50 ટકા જેટલી વસ્તીનું રસીકરણ થાય ત્યારબાદ માર્ક ના પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડ બાબતે વિચારી શકાય પરંતુ હાલ નહીં, તેમ કોર્ટે જણાવ્યું હતું. 

માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હતો તેમ છતાં બીજી લહેર આવી અને ત્રીજી લહેર અપેક્ષિત છે ત્યારે સરકારે રસીકરણ પર વધુ ધ્યાન આપવું જોઈએ, તેમ કોર્ટે કહ્યું હતું. 

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84  કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 300 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 300 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

કોરોનાના નિયમપાલન કરાવવા અમદાવાદ શહેરમાં પોલીસ કડક કાર્યવાહી કરતી રહે છે. આ કારણે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 75515 ગુના નોંધીને અત્યાર સુધીમાં 83990 લોકોની અટકાયત કરવામાં આવી છે. 

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ જાહેરનામા ભંગની એફઆઈઆર નોંધીને 5.13 લાખ લોકોની આરોપી તરીકે અટકાયત થઈ ચૂકી છે. કોરોનાના નિયમનું પાલન કરાવવા માટે ગુજરાતમાં દરરોજ સરેરાશ એક કરોડ રૂપિયા જેટલી દંડ વસુલાત થાય છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના નિયમભંગ અને માસ્ક દંડપેટે 247 કરોડ રૂપિયા જેવી તોસ્તાન વસૂલાત થઈ ચૂકી છે. કુલ 36 લાખ લોકો સામે ગુના નોંધાયાં છે તેમાંથી 6.86 લાખ લોકો સામે તો કર્ફ્યૂ ભંગના ગુના નોંધાયાં છે. જ્યારે સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ 5.13 લાખ લોકો સામે ગુના નોંધાયાં છે.

વાહન ચલાવતી વખતે માસ્ક નહીં પહેરવા કે યોગ્ય રીતે માસ્ક નહીં પહેરવા બદલ 101 કરોડ રૂપિયાનો દંડ વસુલાયો છે. ગુજરાત પોલીસ તંત્ર તરફથી કડક દંડ વસુલાત અને ગુના નોંધવાની કાર્યવાહી છતાં અનેક લોકોમાં સુધારો આવતો નથી એટલે દરરોજ 10000 લોકો કાયદાતળે દંડાતા રહે છે.

 56 ,  1