ગુજરાત તરફ આવી રહ્યું છે ‘વાયુ’, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે આગામી 24 કલાકમાં સાઈક્લોનિક સ્ટ્રોમ અને ત્યારબાદ સર્વર સાઈક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇ એવી સંભાવનાથી સુરતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચક્રવાતના પગલે વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ બફારો અને ઉકળાટ થતાં લોકો અકળાઈ ઉઠ્યા છે. આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અને હાલ હજીરા ખાતે ઉદ્યોગોના વહાણો, સ્ટીમર દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતભરમાં 1700 જેટલી બોટો અલગ-અલગ બંદરો પર લંગારવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતની દિશામાં આગળ ધપી રહી હોવાના સંકેતના પગલે કલેક્ટરે કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા ટ્વીટ કર્યું છે. વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.જેમાં આગામી દિવસોમાં મોસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરિયામાં માછીમારી ન કરવા જણાવ્યું છે.દરિયો તોફાની થવાની શક્યતા દર્શાવી કલેકટરે માછીમારોને માહિતગાર કર્યા છે.છેલ્લા 3 થી 4 દિવસથી મોટી સમુદ્રી ભરતીના કારણે તિથલ બીચ પર સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.માછીમારોને આકસ્મિક સંજોગોમાં સાવધન રહેવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે. વધુમાં કલેકટરે લોકોને અફવાઓથી દૂર રહી સંભવિત વાવાઝોડાથી કોઈપણ જાતનો ભય ન રાખી જાગૃત બની સરકારી તંત્રને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી